માંડવી તાલુકાના ભોજાયમાં સર્વોદય ટ્રસ્ટ આયોજિત 32મા નવનીત મેગા મેડિકલ કેમ્પની પૂર્ણાહુતિ પ્રસંગે ખાસ મહેમાન બનેલા મેગ્સેસે એવોર્ડથી સન્માનિત પદ્મશ્રી પ્રકાશ આમ્ટેએ કચ્છની કોમી એક્તા અને અંડિતતાને જોઇને ઇર્ષ્યા આવે છે તેમ કહીને સરહદી જિલ્લામાં જોવા મળતી એખલાસ ભાવનાની ભારોભાર પ્રશંસા કરી હતી. ટ્રસ્ટના મોભી લીલાધરભાઈ ગડા ‘અધા’એ 1972માં આનંદવનની મુલાકાત વખતે આઝાદીના લડવૈયા બાબા આમ્ટેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતું પરંતુ કમનસીબે તેમને નડેલા માર્ગ અકસ્માતને કારણે તેઓ આજીવન પથારીવશ થયા અને કચ્છ આવી શકયા ન હતા.
આ વાત જ્યારે તેમના પુત્ર ડો. પ્રકાશને અધાએ કરેલી ત્યારે તેમણે ‘બાબા ન આવી શકયા તો એમના પુત્ર કચ્છ આવશે’ તેમ જણાવ્યું હતું અને બાબાને પાઠવાયેલા આમંત્રણના 50 વર્ષે તેમના પુત્રે ભોજાયની મુલાકાત લીધી હતી. તેમના કચ્છ વિશેના પ્રતિભાવ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘કચ્છના લોકોની એકતા અને અખંડિતતા જોઈને મને ઈર્ષ્યા થાય છે. હું હેમલકશાવાસીઓને કચ્છની એકતા - ભાઇચારાની વાત ઉદાહરણ સાથે રજૂ કરવાનો છું. કચ્છીઓ તો વિશ્વભરમાં વસ્યા છે, જે કચ્છીઓ મુંબઈ મહારાષ્ટ્રથી હશે એમને ખ્યાલ હશે કે આટલો સંપ ત્યાં મેળવવો મુશ્કેલ છે.
સેવાના માર્ગે જેમ આમ્ટે પરિવારની ત્રીજી પેઢી ઐક્ય ભાવ જાળવી રાખ્યો તેમ કચ્છના લોકોની પેઢી દર પેઢીએ સચવાયેલી ઐક્ય ભાવની અનુભૂતિ આજે મેં મેળવી છે.’ તેમનાપત્ની ડૉ મંદાકિનીબેને તેમનો જન્મદિવસ કચ્છની ધરતી પર ઉજવ્યાની ધન્યતા વ્યક્ત કરતાં કચ્છની સેવા ભાવના પ્રેરણારૂપ છે તેમ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આમ્ટે દંપતીએ હેમલકશા ખાતે આદિવાસી ઉત્થાનમાં સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. અત્યંત શ્રીમંત કુટુંબમાં જન્મેલા બાબા આમ્ટે ગાંધીજીના પ્રભાવમાં આઝાદીની લડતોમાં જોડાયા હતા. રક્તપિતિયાઓની સેવા માટે તેમણે વર્ધામાં ‘આનંદવન ‘ નામની સંસ્થા શરૂ કરી હતી. . પિતાના પગલે બંને પુત્રો વિકાસ અને પ્રકાશે પણ આ સેવાની જ્યોત પ્રજવલ્લિત રાખી અને ત્રીજી પેઢીએ બાબાના પૌત્ર પણ પરમાર્થમાં પોતાની કારકિર્દી વાળી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.