મન્ડે પોઝિટિવ:પક્ષીતીર્થ છારીઢંઢમાં 27 વર્ષ પછી સારસ દેખાયું, એ પણ એકલું

લાખોંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષે સારા વરસાદ થકી છારીઢંઢનું સૌંદર્ય અનેકગણું ખીલી ઉઠ્યું

રાજ્યના પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર એવા છારીઢંઢમાં ૨૭ વર્ષ પછી સારસ પક્ષીની નોંધ થઇ છે,એ પણ એકલું નોંધાયું છે. આ નોંધથી પક્ષીપ્રેમીઓ રોમાંચિત થઇ ઉઠ્યા છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના આધિકારિક આંકડા અનુસાર ભારતમાં અંદાજિત ૧૫૦૦૦-૨૦૦૦૦ જેટલી સંખ્યામાં સારસ વસી રહ્યા છે.જેની વૈશ્વિક વસ્તીનો અંદાજ ૨૫૦૦૦-૩૭૦૦૦ સુધી રહેલો છે.

આ વચ્ચે છારીઢંઢમાં ગાઈડ મુકીમ મુતવાએ સારસ પક્ષીનો ફોટોગ્રાફિક રેકોર્ડ નોંધ્યો છે,આ અગાઉ વર્ષ ૧૯૯૨ અને ૧૯૯૫માં છારીઢંઢ જળપ્લાવિત વિસ્તારમાં શાંતિલાલભાઈ વરુએ સારસ બેલડીની નોંધ કરી હતી.એટલે ૨૭ વર્ષ પછી આ રૂપકડું પક્ષી નોંધાયું છે.જો કે શાંતિલાલભાઈ એ જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં ચોક્કસ બેલડી હોવી જોઈએ.

સારસના સંરક્ષણ માટેઅમે વોચ રાખીશું : ડીસીએફ
પશ્ચિમ કચ્છ વનવિભાગના નાયબ વનસંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે,છારીઢંઢ વિસ્તારમાં સારસની નોંધ ખૂબ ખુશીની વાત છે.હાલ વનવિભાગ તેના સંરક્ષણ માટે કટિબદ્ધ છે.આ સિવાયના વિસ્તારોમાં પણ જ્યાં જ્યાં સારસ પક્ષીઓ નોંધાયેલા છે તેની અમે નોંધ એકત્ર કરી રહ્યા છીએ.

છારીઢંઢ બનશે પક્ષીઓ માટે સ્વર્ગ છારીઢંઢ રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર છે,જે બન્ની અને ભુજ વચ્ચે આવેલું છે.આ વિસ્તારમાં છીછરા તળાવો છે.અહીં જૈવવૈવિધ્યતા વધુ છે.આ વેટલેન્ડ 227 ચો.કીમીના વિસ્તારમાં સંરક્ષિત છે.આ વિસ્તાર પ્રવાસી પક્ષીઓ અને શિકારી પક્ષીઓના માળાઓ અને રહેણાંક માટે અતિ ઉત્તમ છે.

કચ્છમાં સારસની અનેક નોંધ, કાળક્રમે સંખ્યા ઘટીએ ચિંતાનો વિષય
વરિષ્ઠ પક્ષીનીરીક્ષક શાંતિલાલભાઈ વરુની નોંધ અનુસાર,દેવીસર તળાવમાં ૧૯૭૬થી લઈને ૨૦૧૩ સુધીમાં ૧૨ વખત તેમણે સારસ નોંધ્યા છે,૧૯૭૮ અને ૧૯૮૩માં નિંગાળ તળાવમાં પણ સારસની જોડી નોંધાઈ હતી.વિજયસાગરમાં ૧૯૭૬,શિણાયમાં ૧૯૮૨ અને વિગોડીમાં ૧૯૮૭માં સારસ જોડલાંની નોંધ રહેલી છે. રુદ્રમાતા ડેમ વિસ્તારમાં ૧૯૮૭માં સૌથી વધુ ૭ સારસ નોંધાયા હતા. ત્યારબાદ ૧૯૮૮માં ૪,૧૯૯૭માં ૫ અને ત્યારબાદ ૨૦૦૦,૨૦૦૧ અને ૨૦૦૩માં એક-એક સારસ પક્ષીની નોંધ થઇ હતી. ભીમસર ખાતે ૧૯૯૦,’૯૧,’૯૬’ માં એક અને ૨૦૦૦ અને ૨૦૦૪માં જોડીની નોંધ થયેલી છે. છારીઢંઢમાં ૧૯૯૨માં બે સારસ તો ભૂખી ડેમમાં ૧૯૯૪માં જોડી,૨૦૦૦ માં ૧ અને વર્ષ ૨૦૦૨માં ત્રણ સારસ નોંધાયા હતા. વેકરીયા ઢંઢમાં ૧૯૯૭માં ૪ અને રાપર મુંજાસર તળાવમાં ૨૦૦૯માં ૧ બચ્ચું જોવા મળ્યું હતું. બેરજીયા ડેમમાં ૧ જોડી ભૂતકાળમાં નોંધાયેલી છે તો ૨૦૨૧માં નંદાસરમાં ૪ સારસની નોંધ સર્વે દ્વારા કરાઈ હતી,આ નોંધ નીરવ સોલંકી અને નરેશ ડોડિયાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...