આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિને કચ્છને દેશભરમાં હસ્તકલા ક્ષેત્રે-હાથ વણાંટ ક્ષેત્રે ગૌરવ અપાવનાર અને મહાત્મા ગાંધીજીની ચરખાથી લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ સુત્ર સહિતનાને સાર્થક કરી બતાવનારી વણકર મહિલાની વાત કરીએ. જિલ્લામાં ભુજોડી, નિરોણા, સરલી, મોટા વરનોરા અને બળદિયા ગામોમાં વણકર સમાજની ગૃહિણીઓ ઘર-પરિવારમાંથી મળેલા કસબના સંસ્કારોને ઉજાગર કરીને અબળા ખરી પણ ઘેર સુઝ-બુઝ સાથે કમાતી આત્મનિર્ભર અબળા તરીકે ઉભરી આવી છે, રોજે રોજ રૂા. 500થી 1500 સુધી કમાણી કરતી આ બહેનો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરમાં એવોર્ડ પણ લાવી છે અને છતાં મૂકપણે કોઇ દેખાડા વગર ઘર-પરિવાર અને પોતાનો વિકાસ કરી બતાવ્યો છે.
ભુજમાં રહેતા અને બળદિયામાં એકી સાથે 20થી 30 વણકર મહિલાઓને વણકર કસબનું, પ્રશિક્ષણ આપનારા વાલુબેન ભરત બડગાને હાથવણાટની નેચરલ ડાઇંગ સાડી માટે ગુજરાત રાજ્યનો 2016નો પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. મડાલ સિલ્ક અને ફાઇન કોટન પર પોતાના ઘેર જ ઉકાળી-ઉકાળીને તૈયાર કરેલા કુદરતી રંગોની નીતનવી અને અવનવી ડિઝાઇન હાથશાળ પર ઉતારીને તૈયાર કરેલી સાડી બદલ તેમનું રાજ્ય સ્તરે સન્માન થયું. આ સન્માન બધી બહેનોનું થવું જોઇએ તેવા વિચારો સાથે તેમણે બળદિયામાં પ્રશિક્ષણ શરૂ કર્યું અને જે કામ કર્યું તેને પગલે ગત વર્ષે કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયેલ અને દર્શના જરદોષના હસ્તે તેમને 2018નો રાષ્ટ્રીય પુરસ્કાર પણ અર્પણ થયો.
હિન્દુ મેઘવાળ વણકર સમાજની બહેનોનાં જીન્સમાં કસબ-કળા છે, રંગોને પારખવાની તથા મિશ્રણ સાથે નવી આભા વિકસાવવાની તેમની આંત:સૂઝ અને હાથશાળ પર બેઠા બાદ સ્વયંભુ નિખરવા મંડતી ભાત-ભાતની ડિઝાઇન થકી જે શાલ, સાડી કે પીસ તૈયાર થાય છે, તે રાષ્ટ્રીય જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભું રહે છે. જિલ્લામાં સેંકડો મહિલાઓ આ વ્યવસાયમાં કાર્યરત છે અને પોતાના પરિવારને આર્થિક ટેકો કરી મોટી જવાબદારી નિભાવી રહી છે તે સૌને મહિલા દિનની શુભેચ્છા.
સભ્યતા-સંસ્કારને પ્રાધાન્ય
રબારી, ઊંટ અને ઉન સાથે આ વણકર મહિલાઓનું જીવન શરૂ થાય છે, વણાંટમાં તેમની રોજીંદી ક્રિયાઓ ક્યાંયે નડતી નથી, ગામે ગામ વણકર મહિલા ઘરકામ, બાળકો, પરિવારની પુરેપુરી સંભાળ રાખ્યા બાદ સવાર-બપોર-સાંજના સત્રમાં બબ્બે-ત્રણ-ત્રણ કલાક શાળ પર બેસી રોજે રોજ 10થી 12 કલાક કામ ખેંચી લે છે જેનાં થકી કળા જીવંત રહે છે અને કમાણી પણ થાય છે તેઓ હસ્તકળાના મેળા-પ્રદર્શન ઉપરાંત રણોત્સવ સુધી માલ મોકલે છે. બધું જ ઘરની ચાર દિવાલોમાંજ રહીને, પૂરે પૂરી સભ્યતા-સંસ્કાર સાથે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.