અબડાસા તાલુકાના છાડુરા ગામે મંદીરના સ્વાગતગેટની મૂર્તિ પર પાનની પિચકારી મારી ધાર્મિક લાગણી દુભાવવાનો કિસ્સો તાજો છે ત્યાં માંડવી તાલુકામાં બીજી ઘટના સામે આવી છે.યુટ્યુબ ચેનલ ચલાવતા વ્યક્તિએ ક્ષત્રિય સંગાર સમાજના ઇષ્ટદેવના વાહન વિશે વિડિઓમાં અનુચિત શબ્દપ્રયોગ કરી સમગ્ર સમાજની ધાર્મિક લાગણી દુભાવતા આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે.સોમવારે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકોએ માંડવી પોલીસમાં એકઠા થઇને આ કૃત્ય કરનાર વ્યક્તિને સજા મળે તેવી માંગણી કરી હતી જેથી પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.
માંડવી પોલીસમાં ફરિયાદી પીપરી ગામના વાલજીભાઈ સંગાર અને ભગવાનજીભાઈ સંગારે જણાવ્યું કે, જ્ઞાન એકેડમી યુટ્યુબ ચેનલ પર આરોપીએ ક્ષત્રિય સંઘાર સમાજના ઇષ્ટદેવતા યક્ષ દેવના વાહન વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી.જેથી તેના વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
દરમ્યાન મોટી સંખ્યામાં ક્ષત્રિય સંગાર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.સમાજની લાગણી દુભાવવાની ઘટના બનતા તાલુકાભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ ઈન્ચાર્જ પીએસઆઈ બી.જે.ભટ્ટ ચલાવી રહ્યા છે.
બીજો વીડિયો બનાવી સમાજની માફી પણ માગી
જે શખ્સે પોતાની યુટ્યુબ ચેનલમાં અનુચિત ટિપ્પણી સાથેનો વિડિઓ બનાવ્યો હતો તેણે બાદમાં પોતાની ભૂલનું જ્ઞાન થતા વિડિઓ ડીલીટ કરી નાખ્યો હતો અને સમાજની માફી માંગતો બીજો વિડિઓ પોસ્ટ કર્યો હતો તેમજ બીજીવાર આવી ઘટના નહિ બને તેવુ જણાવી સમાજની બે હાથ જોડીને માફી પણ માંગી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.