સમસ્યા:નિરોણાની ભરૂડી નદીમાં રેતીનો ભરાવો, તાકીદે લીઝ મંજુર ન થાય તો ગામમાં નુકસાનીની ભીતિ

નિરોણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નદીના કુદરતી વહેણમાં અવરોધ આવતા વરસાદી પાણી ગામમાં અને ખેતરોમાં ઘુસી આવે છે

પાવરપટ્ટી વિસ્તારના મુખ્ય મથક નિરોણા ગામે આવેલી ભરૂડી નદીમાં ગાંડા બાવળ અને રેતીના ભરાવાના કારણે નદીના કુદરતી વહેણમાં અવરોધ ઊભો થયો છે જેના કારણે નદીનું પાણી નિરોણા ગામ તરફ ફરી વળતા નુકસાનીની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.આ સમસ્યાના ઉકેલ માટે લિઝ મંજુર કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

નુકસાન નિવારણ માટે સ્થાનિક ગ્રામ પંચાયત તેમજ જાગૃત ગ્રામજનો દ્વારા ચોમાસા પહેલાં નદીના કુદરતી વહેણમાં સાફ સફાઈ,ગાંડા બાવળ દૂર કરવા તેમજ નદીપટ્ટની રેતી દૂર કરવા વહીવટ તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.દોઢ માસ અગાઉ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ પણ ગામની મુલાકાત લઈ નદીના પૂરના કારણે થયેલ નુકસાનની જાત માહિતી મેળવી રેતીના નિકાલ માટે અહીં લિઝ મંજુર કરવામાં આવે તે બાબતે ખાણ ખનીજ વિભાગને સૂચવ્યું હતું.જોકે હજી સુધી કાર્યવાહીમાં ઝડપ ન આવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

મામલતદાર અને ફોરેસ્ટ વિભાગનો રિવ્યુ આવે એટલે આગળની કાર્યવાહી થશે : ખાણ ખનીજ અધિકારી
આ બાબતે જિલ્લા ખાણ ખનીજ અધિકારી યોગેશ મહેતાથી વાત કરતા તેમણે જણાવ્યું કે,હાલમાં 1 લિઝ મંજુર થયેલી છે અને અન્ય 10 લિઝ મંજુર કરવાની છે જે કામગીરી ચાલુમાં છે અગાઉ સ્થળ મુલાકાત લઈ સમીક્ષા પણ કરવામાં આવી હતી.મામલતદાર અને ફોરેસ્ટ વિભાગ તરફથી રિવ્યુ આવી જાય પછી ઝડપથી લિઝ મંજુર કરવાની આગળની કાર્યવાહી શરૂ કરાશે તેવું કહ્યું હતું.

સોમવાર સુધી અભિપ્રાય મોકલી દેવાશે : મામલતદાર
નવનિયુક્ત મામલતદાર શ્રી ચૌધરીએ આ મુદ્દે અભ્યાસ કરી સોમવાર સુધી ખાણ ખનીજ વિભાગને રિવ્યુ મોકલી દેવામાં આવશે તેવું કહ્યું હતું.

આજે જ કાગળ મળ્યો છે : RFO
ડીએફઓ કચેરીમાંથી આજે જ કાગળ મળ્યો છે અને હવે બે-ત્રણ દિવસમાં સ્થળ ચકાસણી કરી અભિપ્રાય મોકલવામાં આવશે તેવું આરએફઓ ધવલ ભરવાડે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...