હાલની વરસાદી સિઝનમાં કચ્છ જિલ્લામાં ઋતુજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે.મોટાભાગના ઘરોમાં વાયરલ કેસો જોવા મળી રહ્યા છે.જેના કારણે દવાખાનાઓ પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે કચ્છમાં સરકારી દવાખાનાઓ અને ખાનગી હોસ્પિટલો/ક્લિનિક મળી દરરોજ 10,000 જેટલા દર્દીઓ વાયરલ બીમારીની સારવાર લેતા હોવાની માહિતી સામે આવી છે.
આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે,જુલાઈ માસની શરૂઆતથી કચ્છમાં વરસાદનો આરંભ થયો તે બાદ કેસો વધવાની શરૂઆત થઈ છે.ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વરસાદના કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ જવાથી મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે.જેના કારણે તાવ,શરદી-ખાંસી સહિતના કેસો વધવા પામ્યા છે.
આ સાથે પીવાના પાણીમાં દૂષિત પાણી મિક્સ થઈ જતા ઝાડા-ઉલટી ડાયેરિયા,ટાઇફોઇડ સહીતના કેસો જોવા મળી રહ્યા છે.સરકારી તંત્ર દ્વારા આંકડાકીય માહિતી છુપાવવામાં આવી રહી છે પરંતુ ભાસ્કર દ્વારા તપાસ કરવામાં આવતા જિલ્લામાં દરરોજ 10 હજાર જેટલા દર્દીઓ વાયરલ બીમારીની સારવાર લેતા હોવાનું સામે આવ્યું છે.જિલ્લામાં 67 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 10 શહેરી આરોગ્ય કેન્દ્ર, ત્રણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ ગામડાઓ વાઇઝ સબ સેન્ટરો આવેલા છે.
સરકારી દવાખાનાઓમાં દરરોજ 50 થી 100 દર્દીઓની ઓપીડી રહે છે.જિલ્લાની મુખ્ય સરકારી જી.કે.જનરલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.બીજી તરફ ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓને ઘસારો જોવા મળી રહ્યો છે.ફિજીશિયનોને ત્યાં દૈનિક 25 થી 50 ની સંખ્યામાં દર્દીઓ વાયરલની સારવાર લેવા આવી રહ્યા છે.
વાતાવરણીય અસરના કારણે હાલમાં કેસોમાં ઉછાળો આવ્યો છે સાથે જ મહ્ત્વની વાત એ છે કે,એકાદ - બે દિવસની સારવાર બાદ દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.થોડા દિવસોમાં તડકો નીકળી આવતા ઋતુજન્ય રોગચાળામાંથી રાહત મળશે તેવું પણ તબીબો જણાવી રહ્યા છે.
તડકો નીકળતાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જશે : નિષ્ણાતો હાલમાં વરસાદના કારણે ધૂપછાવનો માહોલ જોવા મળે છે.તેમજ મચ્છર અને પાણીના કારણે કેસોમાં વધારો થયો છે.થોડા દિવસોમાં તડકો નીકળે અને વરસાદી પાણી સુકાઈ જવાથી પરિસ્થિતિ પૂર્વવત થઈ જશે.મચ્છરથી બચવા માટે જરૂરી પગલાં ભરવામાં આવે અને બહારનું ખાન પાન થોડા દિવસ સુધી ટાળવામાં આવે તો બીમારીથી બચી શકાય છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગે કેસો વધ્યા હોવાનો એકરાર કર્યો
આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓથી વાત કરતા તેમણે હાલના સમયગાળામાં વાયરલ કેસો વધ્યા હોવાનો એકરાર કર્યો છે અને થોડા સમયબાદ પરિસ્થિતિ કંટ્રોલમાં આવી જશે તેવું પણ કહ્યું હતું.જોકે આંકડાકીય વિગતો માંગતા તેઓએ ઉપલબ્ધ ન હોવાનું કહી જવાબ ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
ઊંટવૈધોને ત્યાં વધુ તડાકો
કચ્છમાં 200 થી 250 જેટલા ઊંટવૈદ્યના હાટડા ધમધમે છે તે અંગે અગાઉ અહેવાલ પણ ઉજાગર કરાયો હતો.શ્રમિક અને જે વિસ્તારમાં પરપ્રાંતીય અને ગરીબ-મધ્યમ વર્ગની વસ્તી છે ત્યાં આવા કથિત તબીબો દવાખાનું ખોલી નાખે છે જ્યાં સૌથી વધારે ગિરદી હોય છે.જોકે તે સ્વાસ્થય માટે હાનિકારક પણ હોય છે.
મેડિકલમાંથી ગોળી લઈને ઘરે જ સારવાર લેવાનો ટ્રેન્ડ
હાલમાં ઘણા દર્દીઓ તો મેડિકલમાંથી ગોળી લઈને ઘરે બે દિવસ આરામ કરીને ડોકટર પાસે જવાનું ટાળે છે. સામાન્ય તાવ કે ઝાડા ઉલટી થાય તો ડોક્ટર સુધી જવાને બદલે ઘરે જ ઉપચાર કરવાનું વધુ હિતાવહ માને છે.આ પ્રકારનો વર્ગ પણ ઘણો છે.
મચ્છરનો ફેલાવો અટકાવવો જરૂરી
રોગ ફેલાવતા મચ્છરો ખાસ કરીને ઘરની અંદર અને તેમજ ઘરની આજુબાજુ ભરાયેલ ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. ડેન્ગયુ રોગ ફેલાવતા એડીસ મચ્છર ફુલદાની, કુલર, ફ્રિઝની ટ્રે, પક્ષીકુંજ, બિન-ઉપયોગી ટાયરો, નાળીયર અને અન્ય ભંગાર વસ્તુઓ, ખાડા-ખાબોચીયા વગેરેમાં પાણી ભરાયેલા હોય તો તેમાં મચ્છરોનાં પોરા ઉત્પન્ન થાય છે.જેથી આ સ્થળોએ સફાઈની સાથે દવાનો છંટકાવ કરવામાં આવે તો મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય.તંત્ર તો સતર્ક છે લોકો આ નાનકડી બાબતો પર ફોક્સ આપે તો રોગ ફેલાતો અટકાવી શકાશે.
તાવ મટી જાય પણ દુઃખાવો અને કળતર રહે છે
વરસાદી માહોલના કારણે નિરોણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સંખ્યામાં 25 થી 30% નો વધારો થયો છે.હાલ દૈનિક 55 થી 80 દર્દીઓ આવી રહ્યા છે તો રવાપરના સરકારી દવાખાનામાં પણ દરરોજ 60 થી 70 દર્દીઓ નોંધાઇ રહ્યા છે.તાવ તો એકાદ દિવસમાં કન્ટ્રોલમાં આવી જાય છે પણ કળતર અને દુઃખાવો બે દિવસ સુધી રહેતો હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.