અસામાજિક પ્રવૃત્તિ મુદ્દે પોલીસ મૌન:કચ્છના વોંધમાં 400 ઘરની છતના સળિયા, બારી, દરવાજા ચોરાયા; રજૂઆત બાદ આખરે સમગ્ર કૌભાંડ પોલીસ ચોપડે ચડ્યું

સામખિયાળી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂકંપ બાદ મહારાષ્ટ્ર સરકારે 40 કરોડના ખર્ચે મકાન બનાવ્યા હતા તેમાંય મોટાભાગના લાંબા સમયથી બિન ઉપયોગી ખંડેર હાલતમાં હતા
  • લાંબા સમયથી થઇ રહેલી અસામાજિક પ્રવૃત્તિ મુદ્દે પોલીસનું ભેદી મૌન હતું

કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં ભચાઉ તાલુકાનું વોંધ ગામ તહસ નહસ થઇ જતાં મહારાષ્ટ્ર સરકાર વહારે આવી હતી અને લોકોને રહેવા માટે 40 કરોડના ખર્ચે 850 જેટલા મકાનો બનાવી આપ્યા હતા. મોટા ભાગના આવાસ લાંબા સમયથી બંધ હોતાં લેભાગુઓ દ્વારા ધીરે ધીરે છતમાંથી સળિયા, બારી અને દરવાજા સહિતની ચોરી જવાયા હતા. અડધા ભાગના મકાનોમાં આ રીતે થયેલી તસ્કરી બાબતે પોલીસ પણ જાણે ભેદી મૌન સેવતી હોય તેવું ચિત્ર સપાટીએ આવ્યું છે.

કેટલાક મકાન માલિકો ધંધાર્થે રાજ્ય બહાર નીકળી ગયા
નવતિર્મિત ગામને દત્તક લેવાયા બાદ નવા બનેલા મકાનોનોનો જે તે સમયે લાભાર્થીઓને કબ્જો અપાયો હતો પણ અમુક લોકો કબ્જો લીધા બાદ રહેવા આવ્યા ન હતા તો કેટલાક મકાન માલિકો ધંધાર્થે રાજ્ય બહાર નીકળી ગયા હતા. આમ લાંબા સમયથી બંધ પડેલા મકાનો પર તસ્કરોએ ડોળો માંડ્યો હતો અને ધીરે ધીરે છતમાંથી સળિયા, બારી અને દરવાજા સહિતની વસ્તુઓ ચોરી ગયા હતા.

અત્યાર સુધી એકાદ કરોડનું લોઢું ચોરી જવાયું
​​​​​​​​​​​​​​
એક મકાનમાંથી અંદાજે 800થી એક હજાર કિલો જેટલું લોખંડ નીકળે છે તેની ગણતરી કરીએ તો અત્યાર સુધી એકાદ કરોડનું લોઢું ચોરી જવાયું હશે. પોલીસ આ દિશામાં કોઇની લાજ શરમ રાખ્યા વિના તપાસ કરે તો મોટા માથાના નામ બહાર આવે તેમ છે તેવું કેટલાક જાગૃત લોકો કહી રહ્યા છે.

નુકસાન કરનાર 7 આરોપી વિરૂધ્ધ ફોજદારી નોંધાઇ
મુળ વોંધના હાલે મુંબઇ રહેતા અને ભચાઉ તાલુકા પંચાયતના સદસ્ય અને દંડક તરીકે ફરજ બજાવતા 60 વર્ષીય દેવરાજભાઇ ખીમજીભાઇ પટેલે આ ઘટનામાં વોંધની કોલોનીના બંધ મકાનની છત અને દિવાલ તોડી રૂ.20,000 નું નુકશાન પહોંચાડનાર શામજી ગણેશા ગોહિલ, પ્રવિણ મનજી ગોહિલ, અશોક જેઠા વાઘેલા, મુન્ના જેરામ કોલી, આધમ કેરાઇ અને અરવિંદ શંભુ કોલીના બે ભત્રીજા એમ સાત વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. પીએસઆઇ કે.એન. જેઠવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જરૂર છે તેવા લોકોને રહેવા મકાન આપો
ગામમાં ફકીરાણી જતની ત્રીજી પેઢી રહે છે તેમ છતાં તેમની માલિકીનું કોઇ મકાન નથી. આદમભાઇ જતે આ વિશે જણાવ્યું હતું કે, એવા અનેક પરિવારો છે જેમના પાસે રહેવા માટે ઘર નથી.
ખરેખર તો આવા જરૂરતમંદોને જ મકાન આપવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...