ખાડાઓથી સ્થાનિકો પરેશાન:ભુજ શહેરમાં ગેસ કનેક્શન માટે ખોદવામાં આવેલા ખાડાઓનું પુરણ ન કરાતા અકસ્માતનું જોખમ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રીનાસમયે બહાર ટહેલવા નીકળતા લોકો અને વાહનચાલકો માટે ખાડાઓ જોખમી બન્યાં

લોકોના ઘરોમાં પાઇપલાઈન મારફતે રાંધણ ગેસ ઉપલબ્ધ કરતી ગુજરાત ગેસ વિભાગ દ્વારા ભુજ શહેરમાં રહેણાંક વિસ્તારો અંદર હાલ જોડાણ પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત અનેક સ્થળે આ માટેની કામગીરી કરવા ખાડાઓ ખોદવામાં આવ્યાં હતા જે કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ પણ તે ખાડાઓનું પુરણ ના કરાતા લોકોને હાલાકી પડી રહી છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં પેવર બ્લોક પથરાઈ ગયા છે, ત્યારે ગેસ કનેક્શન આપવા માટે ખોડવામાં આવતા ખાડાઓ સેવા સુવિધાને પણ આડઅસર પહોંચાડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને રાત્રીના સમયે બહાર ટહેલવા નીકળતા લોકો કે વાહનચાલકો માટે આ ખાડાઓ જોખમી બની શકે છે.

ખાડાઓ પુરવાની માગ
માસિક બિલ વ્યવસ્થા હેઠળ ઘરે જ રાંધણ ગેસ પાઇપ લાઈન મારફતે પહોંચાડવા ગુજરાત ગેસ દ્વારા શહેરમાં કરવામાં આવી રહેલી કનેક્શન પ્રક્રિયા પાછળ 5 થી 7 દિવસનો સમય લાગતો હોવાનું જાણવા મળ્યું છે. આ માટે રોકાયેલ મજૂરો રહેણાંક વિસ્તારમાં રોડ, બ્લોક ખોદી ખાડાઓ બનાવી દે છે. જેમાં પાથરવામાં આવેલી પાઇપ લાઈન થોડા દિવસ સલામતી માટે એમ જ રાખવી પડતી હોય છે અને તેના પર પાણીનો છટકાવ થયા બાદ સુધારાઈ દ્વારા જે તે સ્થળે જમીન સમતળનું કામ હાથ ધરાય છે.

વાહનચાલકો માટે અકસ્માતનું કારણ બની શકે છે
લોકોએ આક્ષેપ કર્યો હતો કે, અહીં કામ પૂર્ણ થયા બાદ પણ ખાડાઓ પૂરવામાં આવતા નથી અને તેના દ્વારા ઉખડી ગયેલા બ્લોક રસ્તા પર ફંગોળાઈ જતા વાહનચાલકો માટે અકસ્માતનું કારણ બની શકે છે. લોકોની માગ છે કે, આ કામગીરી દરમિયાન સંબધિત તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવે. હાલ શહેરના ભાનુશાલી નગર, હરસિદ્ધિ નગર અને ન્યુ એસટી સ્ટેશન સહિતના વિસ્તારમાં કામગીરી ચાલતી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...