આગ ​​​​​​​લાગી ત્યારે કૂવો ખોદવાનો તાલ:સમીક્ષા પે સમીક્ષા, દુધાળા ઢોરોમાં લમ્પી મુદ્દે હવે કલેકટરે બેઠકમાં તાગ મેળવ્યો

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામાનો કડકાઈથી અમલ કરાવવા સૂચવ્યું
  • ​​​​​​​​​​​​​​રોગગ્રસ્ત પશુ માટે અાઈસોલેશન અને લોકજાગૃતિ ઉપર પણ ભાર મૂક્યો

કચ્છ જિલ્લામાં ગાય અને ભેંસ સંવર્ગના પશુઓમાં લમ્પી ચર્મરોગના સંક્રમણ મુદ્દે સમીક્ષા ઉપર સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે, જેમાં હવે જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમણે જાહેરનામાનો કડકાઈથી અમલ કરાવવા સૂચવ્યું હતું.

માહિતી ખાતા મારફતે મોકલાયેલી અખબારી યાદી મુજબ કલેક્ટરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દરેક તાલુકામાં લમ્પી વાઈરસની સ્થિતિને લઈને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની વિગતે જાણકારી પ્રાપ્ત કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પશુઓમાં લમ્પીના લક્ષણો દેખાય તો તે પશુને અન્ય પશુઓથી અલગ કરીને આઈસોલેશનમાં રાખવામાં આવે તેની તકેદારી લેવાય તે માટે સૂચના આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે, લમ્પી વાઈરસને અટકાવવા કચ્છ જિલ્લામાં સૌથી ઝડપી અને સૌથી વધારે રસીકરણ થયું છે. પશુઓના મૃતદેહનો તાત્કાલિક સરકારની ગાઈડલાઈન મુજબ નિકાલ થાય તેનું સતત મોનિટરીંગ કરીને કામગીરી કરવા તેઓએ સૂચના આપી હતી.

આ સમીક્ષા બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, નિવાસી અધિક કલેક્ટર હનુંમતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર ચિરાગ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જનક માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.આર.ફૂલમાલી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, તમામ પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં રોગચાળાના કારણે હજારો પશુઓ મોતને ભેટ્યા છે.

102 રજિસ્ટર્ડ ગાૈશાળામાં 82824 પશુધન
જિલ્લામાં કુલ 102 રજિસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળ આવેલા છે, જેમાં 82,824ની સંખ્યામાં પશુધન છે. વહીવટીતંત્રે ત્વરિત કામગીરીને કરીને આ ગૌશાળા અને પાંજરાપોળમાં 46,671 પશુઓનું રસીકરણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...