તપાસ:હરામીનાળામાંથી ઝડપાયેલા બે માછીમારો પૈકી સદામહુસેન બીજીવાર પકડાયો હોવાનો ઘટસ્ફોટ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી બનેલી બીઓપી પાસેથી ઝડપાયા હતા પાક.શખ્સો : ફોરેનર્સ એકટનો ગુનો દાખલ થયા બાદ 3 દિવસના રીમાન્ડ પર

હરામીનાળામાંથી ઝડપાયેલા બે પાકિસ્તાની માછીમારો મુદ્દે તપાસનો ધમધમાટ તેજ બની ગયો છે ત્યારે તપાસ દરમ્યાન નવો ઘટસ્ફોટ થવા પામ્યો છે ઝડપાયેલા બે પૈકી એક માછીમાર સદામહુસેન અગાઉ પણ બીએસએફના હાથે હરામીનાળામાંથી ઝડપાઇ ગયો હતો અને બાદમાં સજા પૂર્ણ થતાં પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો અને ફરીએકવાર ભારતમાં ઘુસી આવતા ઝડપાઇ ગયો છે દરમ્યાન બંને જણાને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 3 દિવસના રિમાન્ડ મળ્યા છે.

ગુરુવારે ભુજ બીએસએફના જવાનોએ 9 પાકિસ્તાની બોટ હરામીનાળામાંથી ઝડપી પાડી હતી જે બાદ સર્ચ ઓપરેશન કરવામાં આવતા 2 જેટલા માછીમારો રણ માર્ગેથી પાકિસ્તાન તરફ ભાગતા હોવાનું જણાઈ આવતા જવાનોએ હવામાં ફાયરીંગ કરીને પગમાં ગોળી મારી બંનેને દબોચી લીધા હતા.પાકિસ્તાનના ઝીરો પોઇન્ટ વિસ્તારના રહેવાસી એવા સદામહુસેન ગુલામ મુસ્તફા અને અલીબક્ષ ખેર મોહમ્મદને પગમાં ગોળી વાગી હોવાથી સારવાર આપ્યા બાદ દયાપર પોલીસને સોપાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,બોર્ડર પીલ્લર નંબર 1161 પાસે માછીમારોની હિલચાલ જોવા મળી હતી જેથી આ વિસ્તારમાં ઓપરેશન પાર્ટીએ સર્ચ સઘન બનાવ્યું હતું દરમ્યાન માછીમારો ભાગતા હોઈ તેઓનો પીછો કરવામાં આવ્યો હતો અને કુલ 5 રાઉન્ડ ફાયરિંગ બાદ બંને જણા દબોચાઈ ગયા હતા.નવી નિર્માણાધિન બીઓપી 1142 થી 5 કિમિ દૂર અને બીઓપી ચંદ્રશેખરની પાછળ 24 કિલોમીટર સુધી પીછો કર્યા બાદ બંને જણા ઝડપાયા હોવાની વિગતો પર સામે આવી છે.

માછીમારો જાણીજોઈને ભારતીય વિસ્તારમાં માછીમારી માટે પ્રવેશ્યા હતા તેમજ ગેરકાયદે રીતે વગર પાસપોર્ટ તેમજ વિઝા વગર બંને જણા પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હોઈ ફોરેનર્સ એકટની કલમો તળે ફરિયાદ નોંધવામાં આવી છે.તપાસનીશ પશ્ચિમ કચ્છ એસઓજી પીઆઈ મીતેષ બારોટથી વાત કરતા તેમણે જણાવ્યું કે,બંને જણાને કોર્ટમાં રજુ કરવામાં આવતા 3 દિવસના રિમાન્ડ મળ્યા છે જે દરમ્યાન વિવિધ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઝડપાયેલો શખ્સ સદામહુસેન બીજીવાર પકડાયો છે તે બાબતે પૂછતાં તપાસ જારી હોઈ સતાવાર પૃષ્ટિ આપી શક્યા ન હતા. ઉલ્લેખનીય બાબત છે કે,હરામીનાળામાં બીએસએફના જવાનો દ્વારા ચારેબાજુ ચુસ્ત પેટ્રોલિંગની સાથે અંધારામાં લાઈટની મદદથી તમામ ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...