આક્રોશ સાથે ધરણા:રાપરમાં વોર્ડ નં.3માં જ કામો ન થતાં પાલિકાના કોંગી સભ્યનું રાજીનામું

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાતિવાદી વલણ અખત્યાર કરી રાગદ્વેષ રખાતો હોવાનો ગંભીર આક્ષેપ
  • સ્થાનિક લોકો દ્વારા આક્રોશ સાથે પાલિકા કચેરીએ ધરણા

રાપર પાલિકા દ્વારા જાતિવાદી વલણ અખત્યાર કરીને વોર્ડ નં.3માં જ કામો ન કરાતાં હોવાના આક્ષેપ સાથે આ વોર્ડના કોંગ્રેસી મહિલા સદસ્યાએ ચીફ ઓફિસરને સંબોધીને રાજીનામું આપી દીધું છે. વોર્ડ નં.3ના સુખધાર તેમજ ગેલીવાડી વિસ્તારની વર્ષો જૂની સમસ્યાઓ જેવી કે, રોડ, ગટર, ગંદકી, સફાઇ વગેરે મામલે અનેક વખત રજૂઆતો કરાઇ છે તેમ છતાં કોઇ નિવેડો આવ્યો નથી.

આ વિસ્તારમાં ભાજપના સભ્યો ન હોવાથી તેમજ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના લોકોની બહુમતી ધરાવતા આ વિસ્તાર સાથે રાજકીય દ્વેષ, જાતિવાદી વલણ અખત્યાર કરીને પાલિકા દ્વારા કામો કરાતા ન હોવાના આક્ષેપ સાથે વોર્ડ નં.3ના સદસ્યા સવિતાબેન વીરાભાઇ રાઠોડે ચીફ ઓફિસરને સંબોધીને રાજીનામું ધરી દીધું છું. વધુમાં ભાજપના એક વગદાર શેઠની ભલામણથી પાલિકા દ્વારા ગેલીવાડી તથા વોકળા વિસ્તારને જોડતો રસ્તો નાલું બનાવવાના બહાને પૂરી નાખવામાં આવ્યો છે અને તેના પર દબાણો ખડકાઇ ગયા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.

આ મામલે પાલિકા કચેરીએ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો દ્વારા ધરણા શરૂ કરાયા છે, જો કે, મંગળવારે ધરણા શરૂ થવાની સાથે પાલિકામાં સવારથી જ જવાબદાર અધિકારીઓ કે, પ્રમુખ હાજર ન હોતાં આંદોલની આગેવાની સંભાળી રહેલા અશોક રાઠોડે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાલિકાના કોઈ પણ અધિકારી કે, જવાબદાર વ્યક્તિ પાસે તેમના એકેય પ્રશ્નનો જવાબ નથી. જો પરિસ્થિતિમાં સુધાર નહીં આવે તો આગલા ચરણના આંદોલનમાં નગરપાલિકાને તાળા મારવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...