સિદ્ધિ:ધોરડોની G-20 સમીટમાં 20 દેશના પ્રતિનિધિઓ કચ્છની વિવિધ પરંપરાગત કળાને જીવંત નિહાળશે

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોગાન, વુડન, માટીકામ, અજરખ, હેન્ડીક્રાફટ સહિત કચ્છની તમામ કલાઓના સ્ટોલ લાગશે
  • કેન્દ્રીય સચિવોની ખાસ ટીમ દ્વારા કરાયું નિરીક્ષણ : સ્થાનિક કારીગરો માટે હશે મોટી સિદ્ધિ

આગામી 8 થી 10 ફેબ્રુઆરી દરમ્યાન કચ્છના સફેદ રણ ધોરડો ખાતે જી-20 ની આંતરરાષ્ટ્રીય સમીટ યોજાવાની છે. જેને લઈને તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકારના સચિવ કક્ષાના અધિકારીઓ કચ્છમાં છે ત્યારે તેઓએ બીજા દિવસે જિલ્લાના વિવિધ હસ્તકલાના કારીગરો સાથે પરામર્શ કરી કલાને જીવંત નિહાળી હતી.જી-20 સમીટમા કચ્છની દરેક કલાનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે તેવો તખ્તો ઘડવામાં આવી રહ્યો છે. આના લીધે સ્થાનિક કારીગરોને ઘરઆંગણે જ વૈશ્વિક પ્રસિદ્ધિ મળશે.જે કચ્છ માટે અને અહીંના કારીગરો માટે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે.

G-20 સમીટના આયોજન સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ સેક્રેટરીયલ ટીમની રચના કરાઈ છે. ટીમના સભ્યોએ પ્રથમ દિવસે ધોરડો અને ટેન્ટસિટીની વિઝીટ લઈ સુવિધાઓ ચકાસી હતી અને બીજા દિવસે વૈશ્વિક વિરાસત સમા ધોળાવીરા અને ખાવડા પંથકની મુલાકાત લીધી હતી. સૂત્રોએ જણાવ્યું કે,ત્રણ દિવસ સુધી આંતરરાષ્ટ્રીય સમીટ યોજાવાની છે. જેમાં ભારત સહિત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની,ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસએ અને યુરોપિયન દેશોના પ્રતિનિધિઓ આવશે.તેઓ વાઇટ રણ ટેન્ટસિટી ખાતે રોકાણ કરશે અને પ્રવાસનના મુદાઓ પર ચર્ચા કરશે.

ખાસ તો કચ્છ ટુરિઝમ હબ બની ગયું છે ત્યારે કચ્છની ધરતી પર પ્રવાસન વિશે ચર્ચા થવાની છે તેમાં કચ્છનાં કારીગરોને કેમ ભુલાય ? ત્યારે અહીં ધોરડો ખાતે કચ્છના કારીગરોની હસ્તકલાના લાઈવ સ્ટોલ રાખવામાં આવશે જેમાં અજરખ, રોગાન,વુડનઆર્ટ,હસ્તકલા,માટી કામ,હાથ વણાટ સહિતનાનો સમાવેશ થાય છે.

ધોરડો ખાતે 20 દેશના પ્રતિનિધિઓની હાજરીમાં કારીગરો તેમની કલાની જીવંત પ્રસ્તુતિ કરવાના છે.તે પૂર્વે ખાસ ટીમ દ્વારા આ કળાને નિહાળવામાં આવી હતી.ટીમના સભ્યોએ ખાવડા વિસ્તારમાં અજરખ,હેન્ડીક્રાફટ,વુડન સહિતની કળાનું નિર્દશન કર્યું હતું.આજે તેઓ રોગાન કલા નિહાળસે.સફેદ રણને વિશ્વફલક પર માન્યતા મળી છે ત્યારે અહીં યોજાનારી સમીટ કચ્છ માટે વિકાસના નવા દ્વાર ખોલશે.

કચ્છ માટે મેગા ઇવેન્ટ હશે
ભુજના પ્રબુદ્ધ નાગરીકોએ જણાવ્યું કે,આંતરરાષ્ટ્રીય સમીટ થવાથી કચ્છનું નામ વિશ્વફલક પર ગુંજતું થશે અને જિલ્લા માટે આ એક મેગા ઇવેન્ટ છે.લોકો પણ આ સમીટની ઉત્સુકતાભેર ઉત્તેજના સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...