ઘંઉ તોડકાંડ:ઘંઉ તોડકાંડમાં રિપોર્ટ SP પાસે પહોંચશે, આજે સસ્પેન્ડ-બદલીના ભણકારા વાગશે

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંડવીના કોડાય પાસે ગત 19મી તારીખે ઘંઉના જથ્થા સાથે ટેમ્પો પકડાયો હતો
  • 14 લાખમાં તોડ કરી 10 લાખ રોકડ લેવાઇ : પરત આપવા પણ અધિકારી-કર્મીઓના ધમપછાડા

ગત 19મી તારીખે માંડવીના કોડાય પાસે ઘંઉનો જથ્થો લઇ જતા ટેમ્પોને પોલીસે પકડયો હતો, ઢીંઢ ગામે ખેતરે લઇ ગયા બાદ તોડ કરાયો હોવાના આક્ષેપ થયા હતા. જે અંગે અહેવાલ પ્રકાશિત થતા પશ્ચિમ કચ્છ એસ.પી.સૌરભ સીંઘએ ડીવાયએસપી બી.એમ.દેસાઇને તપાસ સોંપી હતી.

તપાસનીસ ટીમે સૌપ્રથમ ઢીંઢના આશીફના નિવેદન અને કોલ-ડિટેઇલ્સના આધારે 10 દિવસમાં 15 લોકોના નિવેદન લીધા હતા. એકવાત એવી ચર્ચાઇ હતી કે તોડકાંડની ગરમીને કારણે ડીવાયએસપી બી.એમ.દેસાઇ રજામાં ઉતરી ગયા છે, જો કે આ મહિને તેઓ નિવૃત્ત થવાના હોવાથી રજામાં હોવાની વાત સામે આવી.

જાણો..તપાસના 10 દિવસમાં 15 લોકોએ શું નિવેદન આપ્યું
આશીફ : શુક્રવારે એસ.પી.ની સૂચનાથી ડીવાયએસપી બી.એમ. દેસાઇએ રાત્રે નવ વાગ્યાથી પરોઢે છ વાગ્યા સુધી 18 પાનાનું નિવેદન લીધું, જેમાં મંગળવાર પરોઢથી બનેલી ઘટના,પોલીસ કર્મીઓ અને કોન્ટ્રાકટર, ડ્રાઇવર-મજૂર, વચેટીયા સહિત કુલ 17 જેટલા લોકોના રોલ લખાવ્યા.

કાસમ : ટેમ્પો ડ્રાઇવરનો ફોન આવ્યો જેથી તે ગાડી લઇ કોડાય પાસે પહોંચ્યા ત્યાં સુધી પોલીસ ઢીંઢ ગામે ખેતરે લઇ ગયા હતા, તે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારીએ માલ ખાલી કરી રવાનો થવા સૂચના આપી હતી. માલ પકડાઇ જતા જૂના શેઠ ગનીને ફોન કર્યા હતા. બાદમાં દેવરાજ અને રજાક ખેતરે પહોંચ્યા હતા.

ડ્રાઇવર : પોલીસ કર્મચારીઓએ ટેમ્પો રોક્યો, ઢીંઢ ગામે અગાઉ કયારે માલ પહોંચાડયો હોય તો તે ખેતરે અમને લઇ જા તેમ કહી ધાકધમકી કરતા ખેતરે લઇ ગયો અને રસ્તામાં શેઠ કાસમને ફોન કરી બોલાવ્યો હતો.

મજૂર : ઘંઉના કોથળા અને માલ અલગ કરી રાખી દેવા પોલીસ કર્મીએ સૂચના મળતા માલ ઉતારી મુક્યો.

પુરવઠા અધિકારી : સવારે છ વાગ્યે ટેમ્પો કોડાયની દુકાને જવા માટે નિકળ્યો હોવાનું રેકર્ડમાં છે.

દુકાન સંચાલક : જથ્થો પોલીસે પકડયો છે તે વાત ખ્યાલ છે, મારી પાસે બીજા દિવસે માલે પહોંચ્યો હતો.

આશીફના પરીજનો : 14 લાખમાં તોડની ખબર છે, કોથળા અને માલનુ પોલીસે પંચનામું પણ કર્યું.

આંગડીયા પેઢી : 7 લાખ રૂપિયાનો હવાલો ભુજથી રજાક ઉર્ફે ખુલ્લી તલવારના નામે આવ્યો હોવાનું સામે આવ્યુ.

વે-બ્રીજ કાંટો : બુધવારે પોલીસ કર્મીઓની કાર અને રજાક, આશીફ, આરીફ તમામ વેબ્રીજ કાંટો અને કેન્ડી શોપના સીસીટીવી ફૂટેજમાં પૈસાની બે થેલીઓ સાથે દેખાતા પોલીસે ફૂટેજ કબજે કર્યા.

ગની : આઠ મહિના પૂર્વે કોન્ટ્રાકટ પૂર્ણ થઇ ગયો છે, મુળ કોન્ટ્રાકટ ભચાઉના વ્યક્તિ છે. જૂના માણસ કાસમનો ફોન આવતા મિત્ર દેવરાજ (દાદા)ને ફોન કરી કોઇ પોલીસ કર્મચારી ઓળખીતો હોય તો કાસમની ભલામણ કરવા કહેતા, દેવરાજ દાદાએ ગઢવીને ફોન કર્યો અને તેણે દેવરાજ ( પોલીસ કર્મચારી)ને ખેતરે મોકલ્યો. દેવરાજ પોતાની સાથે ખુલ્લી તલવારને સાથે લઇને ખેતર પર પહોંચ્યો હતો.

કોન્ટ્રાકટર : ભચાઉના કોન્ટ્રાકટરનું પણ ડીવાયએસપીએ સમગ્ર ઘટના અંગે નિવેદન નોંધ્યું.

રજાક ઉર્ફે તલવાર : પ્રથમ તો મૌન ધારણ કર્યુ, બાદમાં બે કહ્યું કે, દેવરાજની સાથે સમાધાન માટે ગયો હતો, આરીફનો પણ ફોન આવ્યો હતો. સાત લાખનો હવાલો પોતાના નામે આવ્યો હોવાની કબુલાત કરી હતી અને દસ લાખ વેબ્રીજ પાસે અપાયાની વાત પણ કબૂલી હતી.

આરીફ : 20મા રોજાથી મસ્જીદમાં એતકાફમાં બેસી ગયો હોવાથી ઇદના બીજા દિવસે નિવેદન નોંધાવ્યું હતું.ઢીંઢનો આશીફ માસીયાભાઇ ભાઇ થાય છે તેણે ફોન કરતા લે-વેંચના ધંધાના સાત લાખ રૂપિયા હવાલો કર્યો હતો. 7 લાખમાં પોલીસ ન માનતા બીજા દિવસે બે મિત્ર રજાક અને ઇરફાનને લઇને માંડવી પહોંચ્યો હતો. જયાં આશીફે ત્રણ લાખની ગોઠવણ કરી દસ લાખ રૂપિયા વેબ્રીજ પાસે આપ્યા હતા. ગાડી પકડાઇ ત્યારે આરીફનો ફોન આવ્યો હતો બાદમાં ગનીનો કાસમની ભલામણ માટે ફોન આવ્યો હતો.

રજાક-ઇરફાન : મિત્ર આશીફ પાસે ગાડી ન હોવાથી અમને સાથે લઇ ગયો હતો, ઢીંઢ ગામે પોલીસની ગાડી હતી જયાં સમજાવટ બાદ ત્રણ લાખ રૂપિયાની થેલી આરીફને આપી દેવાની વાત કરી હતી.

આખરી રિપોર્ટ મારી પાસે પહોંચવાનો છે : SP
તોડકાંડમાં તમામ લોકો અને પોલીસ અધિકારી- કર્મીઓના નિવેદન લેવાયા બાદ તપાસનીશ ટીમ તરફથી અહેવાલ તૈયાર કરાયો છે, જે આખરી રિપોર્ટ મારી પાસે પહોંચવાનો છે જે વાંચન કર્યા બાદ જે પોલીસ અધિકારી-કર્મચારી જવાબદાર હશે તેની સામે કડક પગલા ભરવામાં આવશે. - > સૌંરભ સીંઘ, એસ.પી. - પશ્ચિમ કચ્છ

અધિકારી-કર્મીઓએ ચોખાની ગાડીનું કહી લુલો બચાવ કર્યો
તોડકાંડ પ્રકાશમાં આવતા માંડવી પોલીસ મથકના પીઆઇ રતન ગોહીલ, દેવરાજ ગઢવી, મયુરસિંહ, વિજયસિંહ ગોહિલ સહિતના પોલીસ અધિકારી-કર્મચારીઓનું નિવેદન લીધું હતું. ઘંઉનો ટેમ્પો પકડાયો ન હોવાની વાત કરી હતી અને ચોખાનો જથ્થો પકડાયો હોવાનું અને બીલ-આધાર પૂરાવા હોવાથી છોડી દીધો હોવાનું કહી લૂલો બચાવ કર્યો હતો, પણ સમગ્ર પ્રકરણ ફૂટેજમાં દેખાતા વધુ કાંઇ બોલી શકયા ન હતા.

ગે.કા. વેપલા અંગે થશે પર્દાફાશ
ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરાઇ રહ્યું છે, અગાઉ ભુજમાં ઝુંબેશ ઉપડી પણ બાદમાં શાંત પડી ગઇ હતી. ઘંઉનો ગોડાઉનથી કયાં જાય છે બાદમાં કોની પાસે પહોંચે છે તેના ગેરકાયદેસર વેપલા અંગે પર્દાફાશ કરવામાં આવશે.

દહીસરા સમજાવટ કરવા માટે પણ આવ્યા
શુક્રવારે અહેવાલ પ્રકાશિત થતા આરીફને દહીસરા બોલાવાયો હતો, જયાં દેવરાજ સહિતના પોલીસ કર્મચારી સમજાવટ કરી ત્રણ લાખ પરત કરવા માટે આવ્યા હતા. જે આરીફના નિવેદનમાં સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...