બે દિવસ પૂર્વે વિક્રમજનક બે ડિગ્રી સાથે ઠૂંઠવાયેલા નલિયામાં ન્યૂનતમ પારો તબક્કાવાર ઉંચે ચડતાં નગરજનોને કાતીલ ઠારમાંથી આંશિક રાહત રહી હતી. સોમવારે પારો વધુ ત્રણ આંક ઉંચકાઇને 9.5 ડિગ્રી થતાં ઠંડીમાં વધુ રાહત રહી હતી. બીજી બાજુ કચ્છમાં મહત્તમ ઉષ્ણતામાન ચાર ડિગ્રી જેટલું ઉંચે ચડતાં અગાઉ દિવસે અનુભવાતી ઠંડી ગાયબ જણાઇ હતી. પ્રતિ કલાક સરેરાશ 11 કિલો મીટરની ગતિએ ફૂંકાયેલા પવનની સાથે રાજ્યભરમાં મોખરાને સ્થાને ઠંડા રહેલા નલિયામાં અધિકત્તમ તાપમાનનો પારો પણ ઉંચે ચડીને 29 ડિગ્રીએ પહોંચ્યો હતો પરિણામે દિવસે ઠંડીમાંથી લોકોને રાહત મળી હતી.
કચ્છમાં બીજા ક્રમે ઠંડા રહેલા ભુજ ખાતે લઘુતમ ઉંચકાઇને 12.3 ડિગ્રી થયું હતું તો મહત્તમ ઉષ્ણતામાન 30.2 ડિગ્રીની સાથે દિવસ દરમિયાન ઠંડી નહિવત જણાઇ હતી. કંડલા એરપોર્ટ મથકે લઘુતમ 14.4 તો અધિકત્તમ 29 જ્યારે કંડલા બંદરે 16.5 અને 25.2 ડિગ્રી રહ્યું હતું.
ભુજના રૈનબસેરામાં 12 જરૂરતમંદોને આશ્રય અપાયો
ભુજમાં લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને નગર પાલિકા કચેરીના સંયુક્ત ઉપક્રમે ચાલતા રૈન બસેરામાં ઘર વિહોણા 12 લોકોને આશરો આપવામાં આવ્યો હતા. ફૂટપાથ પર જીવન વિતાવતા બેઘરોનું રેસ્ક્યુ ઓપરેશન કરીને આશ્રય અપાયો હતો. આ સેવાકીય કાર્યમાં લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ના મંત્રી હેમેન્દ્ર જણસારી, ટ્રસ્ટી હર્ષાબેન સુથાર, રિન્કુબેન જણસારી નગર પાલિકાની NULM શાખાના મેનેજર કિશોર શેખા વગેરે સહયોગી રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.