તાંત્રિક મંજૂરી:રિડીંગ સેન્ટરને મળી તાંત્રિક મંજૂરી : ટેન્ડર બહાર પાડી કામ શરૂ કરાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પોર્ટ્સ સંકુલના પ્રોજેક્ટને પણ ટૂંક સમયમાં મંજૂરી મળે તેવા પ્રયાસો
  • ​​​​​​​શહેરમાં​​​​​​​ અાકાર પામનારી પ્રાંત કચેરીનું પણ અોનલાઇન ટેન્ડર

ભુજમાં અાકાર લેનારા ત્રણ પ્રોજેક્ટો પૈકી રિડીંગ સેન્ટરને તાંત્રિક મંજૂરી મળી જતાં ટેન્ડર બહાર પાડીને તેનું કામ ચાલુ કરી દેવાશે અને પ્રાંત કચેરીનું પણ ટેન્ડર બહાર પડી ગયું છે, જેથી ટૂંક સમયમાં કામ ચાલુ કરાશે તેમજ સ્પોર્ટ્સ સંકુલને સત્વરે તાંત્રિક મંજૂરી અપાય તે માટેના પ્રયાસો કરવામાં અાવી રહ્યા છે.

તત્કાલિન મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાની અને કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે.અે ખાસ રસ દાખવીને સ્પર્ધાત્મક પરીક્ષાઅોની તૈયારી કરતા છાત્રો માટે અાવશ્યક પુસ્તકો સહિતની સુવિધાથી સજ્જ રિડીંગ સેન્ટરના નિર્માણ માટેની દરખાસ્ત મૂકી હતી. અા માટેની ડિઝાઇન પણ કચ્છના અેન્જિનિયરોની સંસ્થા કાસિયા દ્વારા વિનામૂલ્યે તૈયાર કરી અપાઇ હતી. ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગમાં સ્ટાફની ઘટ હોવાથી તાંત્રિક મંજૂરીમાં વિલંબ થતાં અા પ્રોજેક્ટ અટકી પડ્યો હતો.

ભુજના મદદનીશ કલેક્ટર અને ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અતિરાગ ચપલોતે જણાવ્યું હતું કે, અંદાજિત 3 કરોડના ખર્ચે નિર્માણ પામનારા રિડીંગ સેન્ટરની ડિઝાઇનને 4 દિવસ પહેલા ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાંત્રિક મંજૂરી મળી ગઇ છે, જેથી અાગામી દિવસોમાં ઝડપથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અોનલાઇન ટેન્ડર બહાર પાડવામાં અાવશે અને સંબંધિત અેજન્સીને વર્ક અોડર અાપી કામ શરૂ કરી દેવામાં અાવશે. અા ઉપરાંત નિર્માણ પામનારી પ્રાંત કચેરી માટે પણ અોનલાઇન ટેન્ડર બહાર પાડી દેવામાં અાવ્યું છે, જેથી પ્રાંત કચેરીનું પણ ટૂંક સમયમાં કામ શરૂ કરાશે. સ્પોર્ટ્સ સંકુલની ડિઝાઇન માટેની કામગીરી અાટોપવામાં આવી રહી છે. જેથી સ્પોર્ટ્સ સંકુલને પણ ટૂંક સમયમાં ગાંધીનગર કક્ષાઅે તાંત્રિક મંજૂરી મળી જશે.

અન્ય સમાચારો પણ છે...