મોરબી જિલ્લાના માળિયા પાસે આવેલી હોટેલ માધવના ક્પાઉન્ડમાં ગઈકાલે સવારે 9 વાગ્યાના અરસામાં એસટી બસમાંથી મુસાફરના થેલામાં રહેલા લાખો રૂપિયાની ચોરી થયાની ઘટના સામે આવી છે.
રાપરમાં ઈશ્વરલાલ પટેલ આંગડિયા પેઢીમાં નોકરી કરતા ફરિયાદી મહાદેવ રામભાઈ વાઘમારેને પરમદિવસ રાત્રે આંગડિયા પેઢીના મેનેજરે રૂ. 62.50 લાખ રોકડ ભરેલો થેલો આપ્યો હતો અને મોરબી ખાતેની આંગડિયા પેઢીમાં જમા કરાવવા મોકલ્યા હતા. આ દરમિયાન હોટેલ પર ઉભી રહેલી બસમાંથી ઉતરી ફરિયાદી લઘુશંકા કરવા જતાં પાછળથી કોઈ તસ્કર રોકડા ભરેલા થેલાની ઉઠાંતરી કરી ગયો હતો.
ફરિયાદી રાપર રાજકોટ રૂટની લોકલ બસમાં મોરબી જવા નીકળ્યા હતા. આ દરમિયાન માળિયા નજીકની હાઇવે હોટેલ પર બસ ઉભી રહેતા ફરિયાદી બસ નીચે ઉતર્યા હતા અને થોડી વાર બાદ પરત ફરતા બસમાં સીટ નીચે રાખેલો રોકડ સાથેનો થેલો જોવા ના મળતા થેલો ગુમ થવા અંગે બસના ડ્રાઈવર કંડક્ટરને જાણ કરતા સૌએ થેલાની તપાસ કરી હતી, પરંતુ થેલો ના મળતા અંતે પેઢીના વીજયભાઈને બોલાવતા તે આવી ગયા હતા.
આ અંગે માળિયા પોલીસ મથકે બસમાંથી ગણતરીની મિનિટોમાં ચોરી થયેલા રૂ. 62.50 લાખની તસ્કરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.