વાગડમાં મેઘકૃપા:રાપરમાં ધમાકેદાર ત્રણ,ભચાઉમાં એક ઇંચ, અબડાસામાં વરસાદ બંધ થવાનું નામ લેતો નથી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિંધોડી - Divya Bhaskar
સિંધોડી
  • વધુ એકથી ચાર ઇંચ ખાબક્યો : લખપત અને માંડવીમાં બે ઇંચ : અંજાર, ગાંધીધામ મહદઅંશે કોરા, મુન્દ્રા પંથકમાં ઝાપટાંથી અઢી : નખત્રાણામાં ઝાપટાં

કચ્છમાં મેઘરાજા છેલ્લા બાર દિવસથી પશ્ચિમ કચ્છમાં હેત વરસાવી રહ્યાં છે. પૂર્વ કચ્છમાં અને ખાસ કરીને રાપર અને ભચાઉમાં મેઘરાજા મનમુકીને વરસતા ન હોવાથી અહીંના લોકો અધીરા બન્યા હતાં. પરંતુ અાખરે સોમવારે રાપર તાલુકામાં એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ થતા લોકોમાં ખુશી વ્યાપી હતી. તો ભચાઉમાં પણ એક ઇંચ વરસાદ થયો હતો. અબડાસામાં એકથી ચાર ઇંચ, લખપત અને માંડવીમાં વધુ બે ઇંચ, નખત્રાણા અને મુન્દ્રામાં ઝાપટાંરૂપી વરસાદની હાજરી રહી હતી.

રાજ્યનો સાૈથી મોટા તાલુકામાં લેખાતો અબડાસામાં છેલ્લા 6 દિવસથી વરસાદ ચાલુ હોવાથી તાલુકાના તમામ નાના-મોટા ડેમ તળાવો અોવરફ્લો થઇ ગયા છે. તો રવિવારે રાત્રીથી સોમવાર સાંજ સુધી તાલુકામાં સરેરાશ એકથી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. તાલુકાના બીટ્ટા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બીટા-બલાપર વચ્ચે આવેલી પાપડી તૂટી ગઇ હતી. તો નલિયાથી નખત્રાણા માર્ગ બંધ થયો હતો. તેરા, ધૂફી, ભારાપર, બિટ્ટા, હમીરપર સહિતના ગામોમાં સરેરાશ બેથી ત્રણ ઇંચ વરસાદ થયો હતો.

તાલુકાના કોઠારા વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો હતો. અહીં માનપુરા, જંગી જેવા ગામોમાં પાણી ભરાયા હતાં. તો કોઠારામાં બેથી ત્રણ ઇંચ વરસાદ થયો હતો તેવું ગામના દામજીભાઇ ચૌહાણે જણાવ્યું હતું. ગરડા પંથકમાં વાયોર, વાગોઠ, ફુલાય, અકરી, બૈર નાની-મોટી, રામવાળા, હોથીઆઇ, ગોલાઇ, સાંધીપુરમ વગેરે ગામોમાં ઝરમરથી અધડા ઇંચ જેટલો વરસાદ થયો હતો. તો વાયોરથી સાંધીપુરમ રસ્તો ચાલુ થયો હતો. સિમેન્ટ પરિવહન સહિતનો વાહન-વ્યવહાર ચાલુ થઇ ગયો હોવાનું બૈર ગામથી અલીભાઇ કૈરએ જણાવ્યું હતું. સિંધોડી પટ્ટામાં ભારે વરસાદ વરસસ્યો હતો.

લાલા, બુડીયા, પરજઉ સહિતના ગામોમાં બેથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. સિંધોડીનો બંધારો ઓવરફ્લો થતા ગામની નદીમાં ભારે પાણીનો પ્રવાહ વહી નીકળ્યા હતાં. ભારે પાણીના પ્રવાહના કારણે ગામનો આવ-જાવનો રસ્તો બંધ થયો હતો. દર ચોમાસામાં ભારે વરસાદના લીધે ગામનો રસ્તો બંધ થઇ જાય છે. તેથી અહીં હવે નદી પર પુલ બનાવવામાં આવે તેવું સિંધોડીના વાલજી એમ. ગઢવીએ જણાવ્યું હતું. સુથરી, સાયરા, આરીખાણા, ધુણઇ,છછી, પિંગલેશ્વર સહીતના દરિયાઇ પટ્ટામાં પણ બેથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

સુથરીના બસ સ્ટોપ પાસેથી નીકળી નદીમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતાં તેવુ સરપંચ રહિમ મંધરાએ જણાવ્યું હતું. જખૌ, અશીરાવાંઢ, દદામપર સહિતના વિસ્તારોમાં એકથી બે ઇંચ જેવો વરસાદ થયો હતો. તો ગોપલા, મોખરા, રામપર, બુટા, ઐડા, ત્રંબૌ ગામોમાં એકથી બે ઇંચ વરસાદ થયો હતો. બુટા ગામ પાસે આવેલો ડાયવર્ઝન રિપેર ન થતા પાણી ભરાતા વાહન ચાલકોને તેમજ આસપાસના ગામ લોકો માટે માર્ગ પસાર કરવો મુશ્કેલ બન્યો હતો.

મોથારા, રાતાતળાવ, સણોસરા, હાજાપર, કનકપર સહિત વિસ્તારમાં સોમવારે બપોર સુધી બે ઇંચ જેટલી વર્ષા થઇ હતી. ડુમરા, વરાડીયા, વિંઝાણ, વરંડી સહિતના ગામોમાં પણ એકથી બે ઇંચ હેત વરસ્યુ હતું. સુડધ્રો,કાળાતળાવ, ફુણાઠીયા, સાંધવ સહિતના ગામોમાં એકથી બે ઇંચ જેવો વરસાદ થયો હતો. સુડધ્રો ડેમ ઓગની ગયો હતો. તાલુકાનો મુખ્ય મથક નલિયામાં રવિવારે રાત્રીના ઝરમરીયા ઝાંપટા પડ્યા હતાં. તો સોમવારે સાંજે પણ ઝરમર ચાલુ રહ્યા અને એક ઇંચ વરસીગયો હતો.

ભચાઉ એક ઇંચ વરસાદથી નગરજનોમાં ખુશી
ભચાઉમાં આજે સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. સાંજના સમયે શરૂ થયેલ ઝાપટાં સાથેના વરસાદી માહોલને માણવા માટે શહેરના યુવાનો અને વરસાદના શોખીનો મોટરસાયકલ અને પગપાળા ચાલતા પલળતા નીકળી પડ્યા હતા જેમના ચહેરા ઉપર વરસતા વરસાદમાં ખુશીનો માહોલ જોવા મળતો હતો. તોભચાઉ તાલુકાના કાંઠાળ પટ્ટીના સામખિયાળી, છાડવાડા, આમલીયારા, જંગી, લલીયાણા, વાંઢિયા, ગોડપર, મોડપર, લઘધીરગઢ, શિકારપુર, સૂરજબારી, નવા જુના કટારીયા, લાકડીયા, ઘરાણા, આધોઇ સહીતના ગામોમાં આજે બીજા દિવસે પણ મેઘમેહર થઇ હતી

નખત્રાણામાં ઝાપટાં રૂપી એક ઇંચ મેઘ મહેર
નખત્રાણામાં આખા વર્ષનું પાણી અષાઢમાં જ પડી જતાં માલધારી, ખેડૂત અને લોકો ખુશખુશાલ છે.તો ગત રાત્રી દરમિયાન નખત્રાણા તાલુકામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટાં ચાલુ રહ્યા હતાં. સવારથી સાંજ સુધી 1 ઈંચ જેટલો વરસાદ વરસી જતા માર્ગોમાં અને શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા. વથાણમાં કાદવ- કીચડ ભરાયા હતાં. રવાપર વિસ્તારમાં સવારથી જ મધ્યમ હળવા ઝાપટાંરૂપી વરસાદ વરસ્યો હતો. દિવસભરમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. નાગવીરી, નવાવાસ, ધડાણી, લીફરી, વિગોડી, રતડીયા,રામપર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો.

માંડવીમાં વધુ બે ઇંચ : 111 ટકા વરસાદ વરસી ગયો
બંદરીય નગરીમાં વરસાદ જારી રહ્યો છે. સોમવારે શહેર અને તાલુકમાં વધુ બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. માંડવીમાં કુલ વરસાદ 488ની સરેરાશ સામે 546 એમએમ વરસી જતા 111 ટકા થયો છે. અટલે કે અષાઢના પ્રારંભના 10 દિવસમાં જ સરેરાશથી વધારે વરસાદ થઇ ગયો છે.

અબડાસામાં બીએસએનએલ સેવા ખોરવાઇ
આમ તો કચ્છમાં સરકારી બીએસએનએલની સેવા અવાર-નવાર ખોરવાતી રહે છે. તેવામા અબડાસામાં ભારે વરસાદનાલીધે સંચાર નિગમની સેવા પ્રભાવિત થઇ હતી. રવિવાર સાંજથી સોમવાર બપોર સુધી નેટવર્ક ખોરવાયુ હતું. ખાનગી કંપનીઓના નેટવર્કની સેવા પણ કથળી હતી.

રાપરમાં મનમુકીને મેધો વરસ્યો : શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા
વાગડમાં કેટલાંક દિવસોથી માત્ર સામાન્ય ઝાપટાં પડી રહ્યા હતાં. પણ સોમવારે વર્ષાએ વાગડની વાટ પકડી હતી. અને રાપર શહેરમાં મનમૂકીને વરસી પડ્યા હતાં. જેમા અંદાજે ત્રણ ઇંચ મેઘમહેર થતાં શહેરના દેનાબેંક ચોક, સેલારી નાકા, આઠમણા નાકા વિસ્તારમાં જોસભેર પાણી વહી નીકળ્યા હતાં. તો રાપરની મુખ્ય બજારોમાં પણ જોશભેર પાણી વહેતા કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાયા હતાં. તો લાંબા સમય બાદ શહેરમાં પડેલા ત્રણ ઇંચ વરસાદના કારણે શહેરીજનોમાં ભારે ખુશી ફેલાઈ હતી. અને લોકો વરસાદને આવકારવા રીતસરના બહાર નીકળી પડ્યા હતાં. તો તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ અડધા થી એક ઇંચ મેઘમહેર થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. જેમા તાલુકાંના ત્રંબૌ, જેસડા, રામવાવ વિસ્તાર, સઇ, ડાંભુડા,બાદરગઢ, નીલપર, પાલનપર, નંદાસર,સેલારી, પ્રાગપર, હમીપર, ફતેગઢ, સહિત પ્રાથળ વિસ્તારના બાલાસર સહિતના વિસ્તારોમાં અડધા થી એક ઇંચ મેઘ મહેર થઈ હતી.

લખપત તાલુકામાં વધુ બે ઇંચ : પીવાના પાણીનો પ્રશ્ન હલ
લખપત તાલુકામાં સોમવારે પણ વહેલી સવારથી ઝાપટાંરૂપે વરસાદ ચાલુ રહ્યો હતો. તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી ધીમીધારે વરસી રહેલ મેઘરાજા હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના પણ લોકો કરી રહ્યા છે. તો બીજી તરફ ચાર-પાંચ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોના વાડી-ખેતરોમાં પાણી ભરાઇ જતાં વાવણી કાર્ય શરૂ થયું નથી. તો બીજી તરફ તાલુકાના માતાનામઢ, દોલતપર, સારણ, બરંદા, કોટડામઢ, ભાડરા, મેઘપર, વિરાણી,ઘડુલી, બીટીયારી,જડવા, સારણ, સુભાષપર, ખાણોર, છુગેર, સિયોત, ગુનેરી સહિતના તાલુકાના મોટાભાગના વિસ્તારમાં દિવસભર ઝાપટાંરૂપે મેઘમહેર ચાલુ રહી હતી. દયાપર ગામનું બે દિવસ અગાઉ તળાવ અોગની જતા સોમવારે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જયાબેન પટેલે તળાવના નવાનીરને વધાવ્યા હતા. બીટીયારી ગામ પાસે આવેલી નદીમાં પાણીના ભારે વહેણને કારણે પાપડી તુટી જતાં વાહન વ્યવહાથ બંધ થઇ ગયો હોવાનું તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અલીમામદ જતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...