ધોરડોનો રણોત્સવ દોઢ મહિના પહેલાં પૂરો થઇ ગયો, બીજી બાજુ કચ્છમાં ઉનાળુ વેકેશનમાં પણ પર્યટકો રડ્યા ખડ્યા આવે છે ત્યારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમુક માધ્યમોમાં કચ્છ-ગુજરાતના હરવા-ફરવાના સ્થળોનો જોરદાર પ્રચાર ચાલુ રખાતાં આમ લોકોમાં આશ્ચર્ય અને આશંકા સર્જાયા છે.
મોસમ પ્રમાણે અતિ ગરમ અને અતિ ઠંડા રહેતા કચ્છના રણમાં ધીકતું પર્યટન ખીલી શકે અેની કલ્પના ખુદ કચ્છના લોકોને પણ ન હતી પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન થકી હવે ધોરડોનું સફેદ રણ ચાર મહિના માટે ધબકી ઉઠે છે, તેમાં પણ મહાનાયક અમિતાભ બચ્ચનની ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ વાળી જાહેરાતે ચાર ચાંદ લગાવી દીધા હતા પરંતુ બિન મોસમ બારીસની જેમ અત્યારે પ્રવાસનની મોસમ ન હોવા છતાં પ્રચારાત્મક વિજ્ઞાપનો અવિરત માવઠાની જેમ વરસી રહી છે. અત્યારે ધોમધખતા તાપમાં સ્થાનિક લોકો પણ રણમાં નથી જતા ત્યારે ગુજરાત પ્રવાસન વિભાગ પર્યટકોને ભર ઉનાળે કચ્છના (અને ગુજરાતના પણ) પ્રવાસન સ્થળો દર્શાવી ફરવા માટે આમંત્રણ આપી રહ્યો છે.
ક્યા સ્થળો દર્શવાઇ રહ્યા છે
વિજ્ઞાપનો તો જૂની ને જાણીતી છે, તેમાં કચ્છના નાના રણમાં વિચરતા ઘુડખર, રણોત્સવ, ધોળાવીરા સહિત ગુજરાતના તમામ પ્રવાસન સ્થાનોને વારંવાર દર્શાવાઇ રહ્યા છે. વેકેશનમાંયે કચ્છમાં પર્યટકોનો ધસારો હોય છે નહીંવત ઉનાળુ વેકેશન દરમિયાન કચ્છમાં રાજ્યના અન્ય વિસ્તારના પ્રવાસીઓનો પ્રવાહ ઓછો હોય છે અને જે લોકો આવે છે એ પણ ધોરડો, ધોળાવીરા કે ઘુડખર અભયારણ્યમાં ફરવા નહીં, પણ બે-ત્રણ દિવસ પુરતા માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર જેવા ધર્મસ્થાનના દર્શન માત્ર માટે આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.