રણ કે રંગ:ધોરડો સ્થિત રણોત્સવ આગામી દિવાળી વેકેશનથી જ શરૂ થશે, સુવિધામાં કરાયો વધારો

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત સફેદ રણ ખાતે આયોજિત રણોત્સવ તા. 26 ઓક્ટોમ્બરથી પ્રારંભ થશે

કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ ખાતે યોજાતો રણોત્સવ આ વખતે નવેમ્બરના બદલે આગામી તા. 26 ઓક્ટોમ્બરથીજ શરૂઆત પામશે. જિલ્લા મથક ભુજથી 80 કિલોમીટર દૂર પાકિસ્તાન સરહદ નજીકના ધોરડો ગામ પાસે આવેલા સફેદ રણમાં આગામી રણોત્સવ યોજાવાની જાહેરાત થઈ ચુકી છે. અને આ માટેનું બુકીંગ પણ વિવિધ વેબસાઈટ પર શરૂ થઈ ચૂક્યું છે. જોકે રણોત્સવ સ્થળે સાજ સજાવટ સહિતની તૈયારીઓ આગામી સમયમાં કરાશે. ગત વર્ષની રણ કે રંગ થીમ સાથે આ વખતે પણ આજ સૂત્ર દ્વારા રણોત્સવ આકાર પામશે. ખાસ તો છેલ્લા બે વર્ષ દરમ્યાન કોરોના મહામારીના કારણે વિદેશી પર્યટકોની સંખ્યા નહિવત રહી હતી. જ્યારે આ વર્ષે કોરોના બિમારીમાં સુધારના પગલે સ્થાનિક સાથે દેશ વિદેશના પ્રવાસી વર્ગનો ઘસારો વિશેષ રહેવાની સંભાવના જોતા આયોજન વહેલું કરવામાં આવ્યું છે. તેમજ સુપર પ્રિમિયમ ટેન્ટ સહિતની સુવિધાઓ ઉમેરવામાં આવી છે.

ટેન્ટ સીટી ખાતે સુપર પ્રિમિયમ ટેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે
રણ ઉત્સવ દરમિયાન રણપ્રદેશમાં ઊંટ ઉપર ભ્રમણ, કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતા ભુંગાઓમાં રાત્રિરોકાણ, કચ્છની સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો, કચ્છના સંગીત, ભરતકામ, માટીકલા, ચિત્રકામના ક્ષેત્રમાં નીવડેલા કલાકરોના કસબનું નિદર્શન અને કચ્છની વાનગીઓ વગેરેનો લાભ મેળવી શકાય છે. તેમજ કચ્છની કલા, સંસ્કૃતિ અને અસ્મિતાના દર્શન કરાવવા મહેમાનોને માંડવી, ભુજોડી વગેરે સ્થળની મુલાકાતે પણ લઈ જવામાં આવે છે. પ્રવાસી વર્ગની સુવિધા માટે આ વખતે ટેન્ટ સીટી ખાતે સુપર પ્રિમિયમ ટેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું પ્રવાસન તંત્રના અમિત ગુપ્તાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી રણોત્સવથી રણ વિસ્તારના લોકોને હોટેલ, રિસોર્ટ વગેરે વ્યવસાયમાં આર્થિક ગતિ મળશે.

અન્ય સમાચારો પણ છે...