વાહન ચાલકોને હાલાકી:ભચાઉ તાલુકાના ખાવડા-ખડીર માર્ગે ઠેકેદારે આડશ મૂકતાં ‘રણ રસ્તો’ બંધ

કકરવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ બંધ થતાં ખડીરથી ભુજ ફરી 250 કિલો મીટર !

ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારને ભુજ સહિત પશ્ચિમ કચ્છને જોડતા અને હાલે નિર્માણાધિન ઘડુલી-સાંતલપુર માર્ગ પર ઠેકેદાર દ્વારા આડશો મૂકીને બંધ કરી દેવાતાં ખડીરવાસીઓને હાલે ભુજ પહોંચવા કે ભુજથી આવવા ફરી 250 કિલો મીટર જેટલું અંતર કાપવું પડશે. જો કે, કામ ચાલુ હોવાથી મોટો અકસ્માત ન સર્જાય તે માટે રસ્તો બંધ કરી દેવાયો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું હતું.

બીએસએફના કેમ્પ આગળ ત્રગડી બેટથી ખાવડા બાજુ જતા રોડ પર ઊંડો ખાડો કરીને માર્ગ બંધ કરી દેવાયો છે તેમ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને ધોળાવીરાના વતની વેલા હીરા આહિરે જણાવ્યું હતું. હાલે કામ ચાલી રહ્યું હોવાથી માર્ગ કાચો છે તેમ છતાં વાહનો પસાર થઇ રહ્યાં છે જે કામમાં બાધારૂપ છે તેમ જણાવીને કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી રીતે રસ્તો બંધ કરી દેવાયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

અહીંથી પસાર થતા વાહન ચાલકોને બે કલાકમાં પસાર થઇ જજો પછી નીકળવા નહી દઇએ અ.વી સુચના અપાય છે. સત્તાવાળાઓ દ્વારા સંબંધિત ઠેકેદારને બ્લેક લિસ્ટમાં મૂકવાની હિલચાલ થતાં નબળાં કામ અંગે કોઇને ખ્યાલ ન આવે તે હેતુસર રસ્તો બંધ કરી દેવાયો હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. માર્ગ ચાલુ હતો ત્યારે ખડીર-ભુજનું અંતર 120 કિલો મીટર હતું જે ફરી 250 કિલો મીટર જેટલું થઇ ગયું હોવાનું વાહન ચાલકો કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...