ગાંધીધામ - આદિપુરના મહત્વના એવા ટાગોર રોડ પર ગત દિવસોમાં પાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. પરંતુ, આ કામગીરીમાં પાલિકા દ્વારા ફકત ગરીબ ઝૂંપડાવાસીઓ અને લારી - ગલ્લાવાળાને જ હટાવીને જ સંતોષ માની લેવાયા હોવાનું જોવા મળી રહ્યું છે. આદિપુરમાં લગભગ તમામ બજારો તથા રહેણાક વિસ્તારો દબાણગ્રસ્ત છે ત્યારે પાલિકાતંત્ર આ તરફ પણ ધ્યાન આપી મોટામાથાઓના દબાણોને છાવરવાની નીતિ ત્યજીને યોગ્ય દબાણ હટાવ કામગીરી કરે તેવી માંગ ઊભી થઈ રહી છે.
આદિપુરમાં ગત અઠવાડિયે મુન્દ્રા સર્કલથી બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં ઝૂંપડા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ સમયે લોકો એ પાલિકાની બેવડી નીતિની તીવ્ર આલોચના કરી હતી. હાલ આદિપુરની સ્થિતિ નિહાળીએ તો, દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા રામબાગ રોડ પર દુકાનધારકો - રેસ્ટોરન્ટવાળાઓ એ ખડકેલા સામાનને કારણે માર્ગ સંકોચાઈ ગયો છે. તો, મોટાભાગના રહેણાક વિસ્તારોમાં માર્ગને અવરોધતા પાર્કિંગ તથા ઘરના બગીચા બનાવી દેવામાં આવ્યા છે.
કોલોનીઓમાં ઊભી કરી દેવાયેલી દુકાનોના છાપરા તથા પાર્કિંગ માર્ગને અવરોધી રહ્યા છે. પાલિકા કચેરીની બહાર જ આડેધડ દબાણ જોવા મળી જાય છે. આટલું ઓછું હોય તેમ, આદિપુરમાં ક્યાંય ફૂટપાથ પગે ચાલવાને બદલે દુકાનોના માલસામાન ખડકવા માટે બનેલી હોય તેવા દ્રશ્યો સામાન્ય છે ત્યારે આ બધું દૂર કરવાને બદલે ટ્રાફિકને અવરોધવાના કારણ હેઠળ ગરીબોના ઝૂંપડા તોડવામાં આવ્યા હતા. કેટલાક લોકોમાં થતી ચર્ચા અનુસાર, આદિપુરમાં ઊભા થઈ ગયેલા દબાણો પર મોટામાથાઓનો હાથ હોવાથી વહાલાદવલાની નીતિ અપનાવાઈ રહી છે.
ગાંધીધામ પાલિકા તંત્ર હવે તટસ્થ નીતિ અપનાવીને ફકત ગરીબો પર ડંડો ઉગામવાને બદલે આદિપુરમાં રામબાગ રોડ, મદનસિંહજી સર્કલ, મેઈન બજાર, 64 બજાર સહિતના વિસ્તારમાં ઊભા થયેલા દબાણ હટાવવાની કાર્યવાહી કરી અંકુશ લગાવે તે જરૂરી બન્યુ છે.
રેલવે સાઈડ ઝુપડાઓ તો કથીત ‘પ્રતિનીધીઓ’ નાજ હોવાની ચર્ચા
સંકુલમાં કેટલાક દબાણો પાછળ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કે અન્ય કોઇ સ્થળે થોડા પણ સંપર્કો ધરવતા કથીત “પ્રતિનીધીઓ’ જ દબાણો ઉભા રખાવીને તેમની પાસે ભાડા ઉઘરાવતા હોવાની અને આનું એક લીસ્ટ પણ તૈયાર હોવાની ચર્ચા વારે તહેવારે ઉઠતી રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.