ભાઇ-બહેનના અતૂટ સ્નેહના પર્વ રક્ષા બંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજની બજારમાં રાખડીની ખરીદી માટે રોનક જોવા મળી રહી છે. બહેનો પોતાના ગજાં પ્રમાણે પાંચ રૂપિયાથી લઇ પાંચસો રૂપિયા સુધીની રાખડી ભાઇઓના કાંડે બાંધશે.છોટા ભીમ, ડોરેમોન, સ્પાઇડરમેન, ટોમ એન્ડ જેરી જેવા અનેક પાત્રોની લાઇટ વાળી રાખડીઓ બાળકોમાં પ્રિય છે તો સાદા સુતરથી શરૂ થતી પાંચ રૂપિયાથી ફેન્સી ડિઝાઇન સાથેની 500 રૂપિયા વાળી રાખડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે.
આ વખતે ગોબર અને કચ્છની કલાત્મક રાખડીનો ઉપાડ વધુ જોવા મળે છે. ખાસ કરીને બહાર રહેતા ભાઇઓને પોસ્ટ કે કુરિયર મારફતે રાખડી મોકલવાની હોય તો આગોતરી ખરીદી કરવી પડે છે તેની ભીડ હાલે બજારમાં જોવા મળે છે. ચાલુ સાલે ભાવમાં 10થી 12 ટકા જેટલો વધારો આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ઓર્ડરથી બનાવાય છે સોના-ચાંદીની રાખડી
શ્રીમંત પરિવારોમાં સોના-ચાંદીની રાખડીનું ચલણ છેલ્લા કેટલાક સમયથી વધ્યું છેે. 300થી બે હજાર સુધીની રેન્જમાં ચાંદીની રાખડીઓ મળે છે તો અમુક બહેનો આગોતરો ઓર્ડર આપીને સોને મઢેલી રાખડીઓ પોતાના ભાઇના કાંડે બાંધે છે તેમ જ્વેલરીનો વ્યવસાય કરતા એચ. જે. સોનીએ જણાવ્યું હતું.
500થી 15 હજાર સુધીના ગિફ્ટ
છેલ્લા આઠ વર્ષથી ઘરે જ ગિફ્ટ બોક્સ બનાવતા ભુજના સહેલી શાહે જણાવ્યું હતું કે, પાંચસોથી બે હજાર રૂપિયા સુધીના ગિફ્ટ બોક્સનું વેચાણ વધુ હોય છે. એનાથી વધુ 15 હજાર સુધીની કિંમતના ગિફ્ટ બોકસ પણ કેટલાક ગ્રાહકો ખરીદે છે. બોક્સમાં ચોકલેટથી માંડી મોંઘેરા ઘડિયાલો હોય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.