વસંત ઋતુમાં પાનખર સાથે પ્રકૃતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે કચ્છના અનેક વિસ્તારોમાં પણ છુટા છવાયા છાંટા પડ્યા હતા. આજે સવારે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા તો ભચાઉમાં ગત મોડી રાત્રે ગાજવીજ સાથે હળવું ઝાપટું પડ્યું હતું. હવામાન વિભાગની અગમચેતીને સાચી ઠેરવતો માહોલ હાલ સર્જાતા ખેડૂત વર્ગ ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણેક દિવસથી કચ્છના વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે અને ફાગણ માસમાં ભાદરવા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. સૂર્યદેવની હાજરીમાં ઇન્દ્રદેવની પધારમની થતી જોવા મળી રહી છે. દુર્ગમ ખડીર વિસ્તારના રતનપર, ખેંગારપર અને બાંભળકાની સિમમાં ગઈકાલ અને આગલા દિવસે કમોસમી વરસાદી છાંટા પડતા લણેલાં પાકના ઢગલા ભીંજાઈ ગયા હતા. જો વરસાદ પડે તો જીરું, રાયડો અને ઇશબગુલ સહિતના પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂત રાજેશ ઢીલાએ વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.