વર્ષ 1925ની 22મી ઓક્ટોબર. મહાત્મા ગાંધીજી બોટમાં બેસી મુંબઇથી કચ્છના માંડવી બંદર પર ઉતરે છે. ઉતર્યા બાદ લોંચ, મછવો, રથ અને ઘોડાગાડીમાં બેસી શહેરમાં માંડ પહોંચી શકે છે. જેને બાપુ અવ્યવસ્થા કહે છે. અને ત્યારબાદ 2જી નવેમ્બર મુન્દ્રા હતા ત્યારે ખૂદ લખે છે (જે લેખાણ નવજીવનના અંકમાં છપાય છે)કે ‘માંડવી પર ઉતારુઓને ખૂબ જ અગવડ છે.
ચોમેર રેલવે અને મોટર હોય તો એક શહેરને રેલવે વિનાનું રાખવાની હું મુર્ખામી ન કરું. માંડવી સુધી દરિયાઇ ખાડી હોય તો ત્યાંથી ભુજ સુધી રેલવે લાઇનનો હું દ્વેષ ન કરું, એટલું જ નહીં પણ ત્યાં સુધી રેલગાડી કરવાનું હું પસંદ કરું’.... આ વાતને આજે અંદાજે 100 વર્ષ વીતી ગયા છે. કચ્છના લોકપ્રિય પર્યટક સ્થળ અને ઐતિહાસિક બંદર માંડવી રેલવે સાથે હજુ પણ જોડાયેલું નથી ! પરંતુ ગાંધીજીની વાતએ સાર્થક કરવા હવે રેલવે દ્વારા હવે પ્રયત્નો હાથ ધરાયા છે.
ગાંધીજીની વાતએ સાર્થક કરવા હવે રેલવે દ્વારા હવે પ્રયત્નો હાથ ધરાયા
ભુજથીમાંડવી ( 58.55 કિમી) પર નવી રેલ લાઇન પાથરવા રેલવે તૈયારી કરી લીધી છે. અને નવી લાઇન નાંખવા માટેના 3.07 કરોડના સર્વે માટેના ટેન્ડરો બહાર પાડી દેવાયા છે.રેલવે બોર્ડ દ્વારા ગત વર્ષે રેલવેના વિકાસ માટે એક વિસ્તૃત રીપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં ભુજથી માંડવી વચ્ચે નવી રેલવે લાઇન પાથરવા જણાવ્યું હતું. આ રીપોર્ટમાં ભુજ-માંડવી વચ્ચે રેલવે લાઇન પાથરવા પાછળ 1166 કરોડ ખર્ચ આંકવામા આવ્યો છે. રેલવે દ્વારા રૂ. 3,07,45,419 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
ભુજ-ગાંધીધામ વચ્ચે ડબલિંગનો પણ રેલવે બોર્ડનો વિચાર
રેલવે બોર્ડે તૈયાર કરેલા રીપોર્ટમાં ભવિષ્યમાં ભુજ-ગાંધીધામ વચ્ચે રેલવે ટ્રેક ડબલિંગનો પણ વિચાર છે. હાલ તો ભુજ સુધી સિમિત મુસાફરી ટ્રેન છે. જોકે નલિયા અથવા વાયોર સુધી ટ્રેક બાદ પરિવહન વધશે. ભવિષ્યમાં છેક કોટેશ્વર, હાજીપીર અને જખૌ સુધી ટ્રેક પાથરવાની રેલવેની યોજના છે. માંડવી સુધી નવી લાઇનના ટેન્ડર બહાર પડી ગયા છે. તેથી ભુજ અને ગાંધીધામ સુધી સિંગલ ટ્રેક કામ આવી શકે નહીં. ભુજ અને ગાંધીધામ વચ્ચે ડબલિંગના કામ માટે રેલવે બોર્ડે 1114 કરોડનો ખર્ચનો અંદાજ રાખ્યો છે. જોકે આ કામને હજુ મંજૂરી મળી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.