અંજાર-મુન્દ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે ગુરૂવારે બપોરે ફરી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ છે, માર્ગ પર ચાલતા સમારકામને લઈ અહીં અવાર નવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત ટ્રાફિજ્જામ સર્જાતા 5 કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી હતી. જેમાં મુન્દ્રા તરફથી આવતા નાના મોટા તમામ વાહનો અટવાઇ પડ્યા છે અને સખત ગરમીમાં હાલાકી ભોગવી રહ્યા છે. આ મુશ્કેલીથી અકળાયેલા લોકોએ તંત્ર વિરૂદ્ધ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
મુખત્વે મુન્દ્રા પોર્ટના અંજાર-મુન્દ્રા ધોરીમાર્ગ પર પરિવહન કરતા વાહનોની અવરજવર સતત રહેતી હોય છે. તેના વચ્ચે ચાલતા માર્ગના સમારકામના કારણે આ માર્ગ પર અવારનવાર ટ્રાફિકજામ સર્જાતો રહે છે. પરંતુ આજે સર્જાયેલા મહાચક્કાજામથી વાહનચાલકો અકળાઈ ઉઠ્યા છે અને અગન વર્ષા વચ્ચે અસહ્ય ગરમીમાં હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે અહીં ફસાયેલા વાહન ચાલકોએ તંત્ર સમક્ષ એવી માંગ પણ કરી હતી કે હાલના ઉનાળાના સમયમાં માર્ગ પર ચાલતું કાર્ય અટકાવી દેવામાં આવે તો પસાર થતા લોકોને રાહત મળી શકે. જો કે છેલ્લા બે કલાકથી સર્જાયેલો જામ બપોરના 2 વાગ્યા સુધી યથાવત રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.