અબડાસા તાલુકાના મોથાળા પંથકમાં હાલે જાંબુના ઝાડ ફાલથી લચી પડ્યા છે અને ઝાડ દીઠ 3થી 4 હજાર ઉપજે છે. ઝાડ રાખનાર વ્યક્તિએ જાંબુ ઉતારવા પડે છે અને અન્ય સોદા મુજબ પચાસ ટકા ખેડૂતને તેમજ પચાસ ટકા જાંબુ ઉતારનારને મળે છે.
અબડાસાના મોથાળા વિસ્તારમાં આ વર્ષે સિઝનમાં જાંબુનો ફાલ પૂરબહારમાં આવ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો જેવા કે, ભાચુંડા, હાજાપર, નુંધાતડ, ભવાનીપર, નરેડી, બેરાચિયા સહિતના આસપાસના દસેક જેટલા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વાડી અને સીમાડાના વિસ્તારમાં જાંબુના ઝાડ પર જાંબુનો સારો ફાલ આવ્યો છે.
મોથાળાના કિશન જોગીઅે જણાવ્યું હતું કે, તેઓ વંશ પરંપરાગત રીતે જાંબુના ઝાડ પરથી ફળ ઉતારવાનું કામ કરે છે. વાંસના મોટા બાંબુને જમીન પર ટેકવીને ઝાડની ઠેઠ ટોચ સુધી પહોંચે તેવી ગોઠવણી કરવામાં આવે છે. ત્યારબાદ વાંસના બાંબુ પર ચડીને જાંબુ ઉતારવામાં આવે છે. આ કામગીરી ખુબ જ ધ્યાન રાખીને સાવચેતી પૂર્વક કરવી પડે છે અને જેના માટે ઓછામાં ઓછાં 3થી 4 વ્યક્તિની જરૂર પડે છે.
સામાન્ય રીતે અષાઢ મહિના સુધી આ ઝાડ ફળ આપે છે. વરસાદ પડ્યા પછી જાંબુની સિઝન પૂરી થઈ જાય છે. ખેડૂતો પાસેથી ભાડા પેટે જાંબુના ઝાડ ઉચ્ચક રીતે લેવામાં આવે છે અને જાંબુ ઉતાર્યા બાદ છૂટક રીતે હાલમાં રૂ.60થી 80 રૂપિયાના ભાવમાં સ્થાનિકે વેચવામાં આવે છે. બાકીના જાંબુ ભુજમાં જથ્થાબંધ ભાવમાં વેચવામાં આવે છે. અા પંથકમાં જાંબુની ખેતી માટે વિશાળ શકયતાઓ રહેલી છે છતાં પણ પધ્ધતિસરની ખેતી કરવામાં આવતી નથી પરંતુ પડતર જમીનો, વાડીઅોના શેઠા, રસ્તા, પાળા કે, ગૌચર જમીનમાં ૢજાંબુના ઝાડ ઉગેલા જોવા મળે છે. પૂર્ણ વિકસિત ઝાડ દીઠ ફળનું ઉત્પાદન 60 થી 80 કિલો સુધી મળે છે.
કલમી ઝાડ 4થી 5 વર્ષે અાપે છે ફળ
જાંબુનું ઝાડ ખુબ ઝડપથી વધતું અને આખુ વર્ષ લીલુ રહે છે. બીજમાંથી ઉછેરવામાં આવેલું ઝાડ 8થી 10 વર્ષે જયારે કલમી ઝાડ 4થી 5 વર્ષે ફળ અાપે છે. ફળો ચોમાસાની શરૂઆતમાં પરિપકવ થાય છે. ફળની સંગ્રહ શકિત ધણી જ નબળી હોય છે, તેથી ફળો ઉતાર્યા બાદ તરત વેચાણ માટે મોકલી આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.