લખપત તાલુકાના માતાના મઢ અને રવાપર વચ્ચે અાવેલી જીઅેમડીસી લિગ્નાઇટ ખાણમાં ટ્રક ચાલકનું અાકસ્મિક મોત થતાં પરિવારજનોઅે કોન્ટ્રાક્ટરે બનાવને લઇને ગંભીરતા ન દાખવતાં મોત થયાના અાક્ષેપ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો, જો કે, કોન્ટ્રાક્ટરે યોગ્ય કરવાની ખાતરી અાપતાં પરિવારજનોઅે મૃતદેહ સ્વીકાર્યો હતો.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ માતાના મઢ જીએમડીસી લિગ્નાઇટ ખાણમાં સોમવારના રાત્રિના સમયે સુમરાસરના ટ્રક ચાલક ઉમર અામદ જતનું અાકસ્મિક મોત થયું હતું. જો કે, ટ્રક ચાલકની લાશ બીજા દિવસે મંગળવારે મોડે સુધી ટ્રકમાં જ પડી રહેતાં ખાણમાં મોટી સંખ્યામાં અેકત્ર થઇ ગયેલા અાગેવાનોના કારણે ગરમા-ગરમીના દ્રશ્યો ખડા થયા હતા.
લોકોના કહેવા મુજબ ખાણમાં અારોગ્યલક્ષી સુવિધા નથી. વધુમાં ખાણમાં લિગ્નાઇટ ભરવા માટે માત્ર અેક જ વ્યક્તિ ડ્રાઇવરને જવા દેવાય છે, જેથી કયારેક ટ્રક ચાલક બીમાર થાય કે, અન્ય કોઇ તકલીફ પડે તો ટ્રક ચાલકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે, જેથી બે વ્યક્તિને જવા દેવાય તેવી માંગ ઉઠી છે.
બનાવની જાણ થતા જિલ્લા પંચાયતના સદસ્ય મામદ જુંગ જત, હાજી સુલેમાન પડ્યાર, જત હાજી જકરિયા નુરમામદ, અમલીમામદ જત, અાદમ કાસમ જત, ઇસ્માઇલ જત વગેરેઅે દયાપર મામલતદારને રજૂઅાત કરી જીઅેમડીસી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવા માંગ કરી હતી.
અત્રે નોંધવું રહ્યું કે, થોડા દિવસો પહેલા પણ અા રીતે અેક ટ્રક ચાલકનું અાકસ્મિક મોત થયું હતું, જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટરે પણ મૃતકના પરિવારજનોને નોકરી અાપવાની ખાતરી અાપતાં પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.