બંને પક્ષે સમાધાન:અબડાસાના મંજલમાં બે પક્ષની મારામારીમાં સમાધાન બાદ હવે ગુનો નોંધવાની તજવીજ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇદના દિવસે ઘટના ટાણે સમાજના અગ્રણીઓએ બંને પક્ષે સમાધાન કરાવ્યું હતું
  • પોલીસ ફરિયાદ લેવા ગઇ હતી, હવે ગુનો દાખલ કરવો હશે તો થશે : પીએસઆઇ

અબડાસા તાલુકાના મંજલ ગામે ઇદના દિવસે એક જ સમાજના બે જુથો વચ્ચે થયેલી માથાકૂટમાં બંને પક્ષે ત્રણથી ચાર શખ્સોને ઇજાઓ પહોંચી હતી. એક યુવકને પીઠના ભાગે છરીનો ઉંડો ઘા ઝીંકી દેવાતા જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર કરાઇ હતી. ઘટણા ટાણે સમાજના આગેવાનોએ બંને પક્ષે સમાધાન કરાવ્યો હતો પણ હવે ઇજાગ્રસ્તે ગુનો નોંધવા માટેની તજવીજ હાથ ધરી હતી.

મંજલ ગામે એક જ સમાજના બે લોકો વચ્ચે મારકૂટનો બનાવ બન્યો હતો. બંને એક જ સમાજના હોવાથી પોલીસ ફરિયાદ ન થાય તે માટે અબડાસા વિસ્તારના એક સમાજના આગેવાને વચ્ચે પડી સમાધાન કરાવ્યો હતો. જુસબ સાલેમામદ માંજોઠી (રહે. મંજલ)ને પીઠના ભાગે છરીનો ઉંડો ઘા હોવાથી તેની સારવાર જી. કે. જનરલ હોસ્પિટલમાં કરાઇ હતી.

ઇજાગ્રસ્ત જુસબ માંજોઠીએ જણાવ્યું હતું કે, બનાવ ટાણે પોલીસ નિવેદન લેવા માટે આવી હતી પણ અગ્રણીએ વચ્ચે પડી બંને પક્ષે સમાધાન કરાવ્યું હતું. જો કે હવે મારે સમાધાન મંજૂર નથી ગુનો દાખલ કરાવવો છે. આ અંગે કોઠારા મથકના પીએસઆઇ વાય. પી. જાડેજા સાથે વાત કરતા કહ્યું હતું કે, બનાવ ટાણે પોલીસ જી. કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલી એમ.એલ.સી.ના આધારે ફરિયાદ લેવા માટે ગઇ હતી પણ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

સમાજના આગેવાનોએ વચ્ચે પડીને સમાધાન કરાવતા ગુનો દાખલ થયો ન હતો, જો કે હવે ઇજાગ્રસ્તને ગુનો દાખલ કરાવવો હશે તો થઇ જશે તેમ ઉમેર્યું હતું. નોંધનીય છે કે, સમાજના આગેવાનોએ વચ્ચે પડી ઘટના ટાણે જ સમાધાન કરાવ્યો હતો પણ ફરિયાદી ત્રણ દિવસ સુધી જી.કે.માં સારવાર હેઠળ હતો અને ઓપરેશન કરવાની નોબત આવી પડી હતી એટલો ઉંડો ઘા ઝીંકી દેવાયો હતો. સમગ્ર મામલે અગ્રણીઓએ છેલ્લે સુધી ફરિયાદ ન નોંધાય તે માટે પ્રયાસો કરી દબાણ કરવાની કોશીશ કરી હતી.

સુખપરમાં સમજાવવા ગયેલા બે ને માર પડયો
ભુજ તાલુકાના સુખપર ગામે ભાણભટ્ટ વિસ્તારમાં રહેતા બહાદુર નરપત ભટ્ટ નામના યુવકે કનકસિંહ ઉર્ફે લાલો અજીતસિંહ સોઢા, ધર્મેન્દ્રસિંહ ભીખુભા જાડેજા અને મહિપતસિંહ જાડેજા સામે માનકુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્રણેય શખ્સો રામજી ભટ્ટ સાથે ઘર નજીક બોલાચાલી કરી રહ્યા હતા ત્યારે ફરિયાદી સમજાવટ કરવા માટે ગયો હતો જેથી ત્રણેય જણા ઉશ્કેરાઇ ફરિયાદી અને રામજીને હાથ અને ધોકા વડે માર માર્યો હતો. બંનેને ઇજાઓ પહોંચતા માનકુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ભુજમાં પાણી ઢોળવા મુદ્દે ચાર જણનો હુમલો
શહેરના સરવા મંડપ વિસ્તારમાં રહેતા દિવાળીબેન નારાણભાઇ પરમાર નામની યુવતી પર પાણી ઢોળવા મુદ્દે લક્ષ્મીબેન પ્રેમજી પરમાર, હંસાબેન લક્ષ્મણ પરમાર, લક્ષ્મણ પ્રેમજી પરમાર અને કાનજી પ્રેમજી પરમાર (રહે. ચારેય સરવા મંડપ)વાળાએ હુમલો કર્યો હતો. ફરિયાદીએ પાણી ઢોળવાની ના પાડતા ચારેય જણા મનદુ:ખ રાખી એકસાથે મળી ધકબુસટનો માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...