મુંબઇથી કચ્છ અાવતી મુસાફર ટ્રેનોમાં દારૂની હેરફેર સાથે ચોરીના વધતા જતા બનાવોને અટકાવવા કચ્છી અગ્રણીઅોઅે મહારાષ્ટ્રના રેલવેના રાજ્યમંત્રી સમક્ષ રજૂઅાત કરી હતી.કચ્છ જન જાગૃતિ અભિયાનના પદાધિકારીઓ નેહલ શાહ, ૠષભ મારૂ અને કૃણાલ સંગોઈએ રવિવારે રેલ રાજ્યમંત્રી રાવ દાનવે સાથે મુલાકાત કરી કચ્છ-મુંબઈ રેલ માર્ગની સમસ્યાઓની ચર્ચા કરી હતી.
સંસ્થાએ ‘કચ્છ એક્સપ્રેસ’ અને ‘ સયાજી નગરી એક્સપ્રેસ’ ટ્રેનમાં થતી દારૂની હેરાફેરી પર લગામ કસવા માટે કડક પગલા ભરવાની માંગ સાથે એક્સપ્રેસ ટ્રેનમાં વધતા ચોરીના બનાવો માટે સુરક્ષા વધારવા તેમજ સયજીનગરી એક્સપ્રેસ ટ્રેન જે અગાઉ કચ્છથી વડોદરા સુધીની હોઇ સયાજી નગરી નામ અપાયું હતું, પરંતુ હવે આ ટ્રેન મુંબઈ સુધી આવે છે તો તેનું નામ બદલવા માટે પણ ચર્ચા કરી છે.
રેલ રાજ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને મુંબઈ-કચ્છ રેલ માર્ગની સમસ્યાઓ નિવારવા આદેશ આપ્યો હતો. વધુમાં આવનારા દિવસોમાં સંસ્થા સાથે અારપીઅેફ અને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે વિશેષ મીટિંગ ગોઠવી સમસ્યાનું નિવારણ લાવવા આશ્વાસન આપ્યું હતું. એક્સપ્રેસ ટ્રેનમાં 24 કલાક તાત્કાલિક વૈદકીય સારવારના પ્રોજેક્ટને કચ્છ જન જાગૃતિ અભિયાનની ટીમે બિરદાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.