અબડાસા તાલુકાના વડા મથક નલિયા ખાતે આજે સવારે 9 વાગ્યાથી ગ્રામ પંચાયત દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કાલા હનુમાન રોડ પરના તળાવની પાળ નજીકની કતારબંધ કાચી-પાકી દુકાનો અને વાડાઓ ખસેડવામાં આવી રહ્યા છે. આ માટે 3 જેસીબી મશીન, 1 લોડર અને 8 જેટલા ટ્રેક્ટરોને કામે લગાડવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા દબાણકારોને આ પૂર્વે નોટિસ પાઠવ્યા બાદ આજે નિર્ધારિત સમયે દબાણ હટાવ કામગીરી પાર પાડવામાં આવી રહી છે. જોકે અમુક દબાણકારોએ દબાણો યથાવત રાખવા વકીલ મારફતે કોર્ટમાં અરજી પણ કરી છે. અલબત્ત આજ બપોર સુધીમાં મોટા ભાગના દબાણો દૂર થઈ જવાની સંભાવના હાલ દેખાઈ રહી છે. આ પૈકી કેટલાક દબાણો ગત રાત્રેજ સ્વેચ્છાએ ખસેડી લેવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક વર્ષોથી નલિયાની સરકારી જમીન પર દબાણ પ્રવૃતિ વ્યાપકપણે વધી જવા પામી હતી. જેને લઈ દબાણોને દૂર કરવાની ગ્રામ પંચાયતને ફરજ પડી હતી. આ માટે દબાણો ખસેડી લેવા દબાણકારોને નોટિસ પાઠવાઈ હતી. જેના પગલે પંચાયતની કામગીરી સામે વિરોધનો સુર ઉઠ્યો હતો. દરમિયાન આજે ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યા છે. આ વેળાએ મામલતદાર અમિત ચૌધરી, ડીવાયએસપી ભાગોરા, નલિયા પીએસઆઇ વિક્રમ ઉલેવા, સરપંચ રામજી કોલી, ઉપ સરપંચ જશપાલસિંહ જાડેજા, તલાટી ભરત પટેલ તથા સીપીઆઈ, પીઆઇ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.