સંદેશો કે અંદેશો:ભુજમાં પ્રમુખના સન્માનનું કહી બોલાવાયા અને એકઠા થઈ ટિકા ટિપ્પણી કરી

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પાલિકામાં શાસક પક્ષના નારાજ નગરસેવકોનો ગ્રૂપમાં સંદેશો કે અંદેશો
  • સફાઈ અને ગટરનો ઠેકો આપવા લેવાયેલા નિર્ણયોમાં શંકા દર્શાવી

સોમવારે શાસક પક્ષના નારાજ નગરસેવકોએ નગરપતિનું સન્માન કરવાનું હોઈ હાજર રહેવાનો સંદેશો વ્હો્ટસએપ ગ્રુપમાં નાખ્યો હતો અને બધા એકઠા થયા એટલે ટિકા ટિપ્પણીઓ શરૂ કરી દીધી હતી, જેમાં ખાસ કરીને કારોબારી સમિતિમાં સફાઈ અને ગટરનો ઠેકો આપવા લેવાયેલા નિર્ણયો સામે શંકા વ્યક્ત કરી હતી. શાસક પક્ષના નગરસેવકોના ગ્રૂપમાં એવા મતલબનો મેસેજ નાખવામાં આવ્યો હતો કે, ગટરના કામોનો ઠેકો આપવામાં 25 લાખ રૂપિયા બચાવાયા છે, જેથી પ્રમુખને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરાશે. જે પ્રસંગે હાજર રહેવું.

ટિકા ટિપ્પણી કરી પોતાનો પક્ષ રાખવાનો કાર્યક્રમ ગોઠવ્યો
જોકે, મુખ્ય અધિકારીથી નારાજ શાસક પક્ષના જ કેટલાક નગરસેવકોએ ગાંધીગીરીથી ટિકા ટિપ્પણી કરી પોતાનો પક્ષ રાખવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. જેનાથી અજાણ કેટલાક નગરસેવકો નગરપાલિકામાં આવ્યા અને હકીકત જાણી પ્રમુખની ચેમ્બરમાં પ્રવેશ્યા વિના જ પરત જવાનું મુનાસિબ માન્યું હતું.

બીજી તરફ પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કરની ચેમ્બરમાં નારાજ નગરસેવકોએ મુખ્ય અધિકારી જીગર પટેલ પણ સન્માનના અધિકારી છે એવું કહી એમને પણ બોલાવી લીધા હતા. જે બાદ બંનેનું પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું. ત્યારબાદ સફાઈ અને ગટરના કામોમાં થયેલા ખર્ચ ઉપર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. કેટલાક શાખા અધિકારીઓની પણ ફરિયાદો કરાઈ હતી. જોકે, કેટલાક નગરસેવકો સન્માન પાછળના હેતુથી અજાણ હતા, જેથી તેઓ પણ ચર્ચામાં જોડાઈ ગયા હતા. એવી ગૂસપૂસ પણ થઈ હતી.

શંકાસ્પદ બિલોમાં શેરા ભરી મૂક્યા છે : પ્રમુખ
નગરપતિએ શાસક પક્ષના નારાજ નગરસેવકોને શાંત પાડતા કહ્યું હતું કે, વિકાસ કામોના શંકાસ્પદ બિલોમાં શેરો ભરી મુખ્ય અધિકારી પાસે મૂક્યા છે. જેની ચકાસણી બાદ ચૂકવણા કરવામાં આવશે. જેની ખરાઈ કરવા પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મારી ટીમ છે. કંઈ ખોટું થયાની ભીતિથી મારી જોડે અે પ્રકારની ચર્ચા કરી હતી. મે એમને સાંભળી યોગ્ય કરવા મુખ્ય અધિકારીને સૂચના આપી છે.

શહેર સંગઠનના કેટલાક હોદ્દેદારો ધસી આવ્યા
ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના કેટલાક હોદ્દેદારો ધસી આવ્યા હતા અને તેમણે પક્ષમાં લેખિતમાં રજુઆત કરવી જોઈએ. આ રીતે એકઠા ન થવું જોઈએ એવો મત વ્યક્ત કરી નારાજ નગરસેવકોના આવા કાર્યક્રમો સામે નારાજગી વ્યક્ત કરી હતી. જો સંબંધિત સમિતિના ચેરમેનની જાણ વિના કોઈ નિર્ણય લેવાતા હોય તો તે ચેરમેનની નબળાઈ કહેવાય એવી પણ ટકોર કરી હતી.

શાસક પક્ષમાં તડા નથી, તંદુરસ્ત ચર્ચા હતી
સમગ્ર ઘટનાક્રમ બાદ નારાજ નગરસેવકોએ જણાવ્યું હતું કે, એ પક્ષ સામે બળવો નથી. શાસક પક્ષમાં તડા પણ નથી. જાગૃત નગરસેવક તરીકે ધ્યાન દોરી તંદુરસ્ત ચર્ચા કરાઈ છે.

વેન્ડિંગ ઝોનમાં 17-17 હજાર ઉઘરાવાયાના આક્ષેપ
​​​​​​​ભુજ શહેરમાં કુલ 16 વેન્ડિંગ ઝોન બન્યા છે, જેમાં એક વેન્ડિંગ ઝોન ભાનુશાલીનગર સામે બની ગયું છે. જેની કાયદેસરતા સામે પ્રશ્નો થયા હતા અને નિયમભંગ થયાનું કહેવાયું હતું. જે દરમિયાન દરેક સ્ટોલધારક પાસેથી 17-17 હજાર રૂપિયાના ઉગરાણા થયાના આક્ષેપો થયા હતા, જેથી નગરપતિએ જણાવ્યું હતું કે, એ નગરપાલિકાએ બનાવ્યું નથી. એમાં નગરપાલિકાને કોઈ સંબંધ નથી. આમ છતાં લેખિતમાં આપો. અત્રે ઉલ્લેખનીય છે કે, એ વેન્ડિંગ ઝોન હુન્નર શાળાએ બનાવ્યું છે. વેન્ડિંગ ઝોન એટલે શહેરી ફેરીયાઓને શહેરના જુદા જુદા વિસ્તારોમાં નિશ્ચિત જગ્યાએ ધંધો કરવા ઊભા રહેવાની કાયદેસર પરવાનગી.

જેમ પોર્ટલ ઉપરથી ખરીદીમાં સવાલ જવાબ
ગટર શાખાના ચેરમેન રાજેશ ગોરે જેમ પોર્ટલ ઉપરથી વાહનોની ખરીદી મુદ્દે મુખ્ય અધિકારી જીગર પટેલને એસ્ટીમેન્ટ, તાંત્રિક મંજુરી, એક જ બિડમાંથી ખરીદી સવાલો કર્યા હતા. જેના જવાબમાં મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જેમ પોર્ટલ ઉપરથી ખરીદી કરવા તાંત્રિક મંજુરી મેળવવાની રહેતી નથી. વહીવટી મંજુરી તો ભાડાએ જ આપી દીધી હતી. વળી એક જ ગ્રાન્ટ અને એક જ બ્રાન્ચના સાધનો ખરીદવાના હોઈ એક જ બિડમાંથી ખરીદી કરાઈ છે. જેમ પોર્ટલ ઉપરથી ખરીદી કરવા સરકારનો પરિપત્ર છે. ટી.પી.આઈ. કરવાની રહેતી નથી.આમ છતાં કન્સલ્ટન્ટ મારફતે કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...