હોદ્દેદારોની રણનીતિ પર મદાર:પાલિકામાં રોડ શો પહેલા પકડાયેલી ગાયો ઉપર રાજકારણ શરૂ

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રત્યેક ગાૈવંશે 5000 રૂપિયા દંડની રકમ ઘટાડી 2000 કરી દેવાઈ
  • નીતિ નિયમોમાં બાંધછોડ કરવા માટે રાજકીય દબાણથી સુધરાઇના કર્મચારીઓ અકળાયા

શહેરમાં 28 અોગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને જાહેરસભા પહેલા તેમના રૂટમાં અાવતા માર્ગો ઉપરથી રખડતા ઢોર પકડવાની કાર્યવાહી થઈ હતી, જેમાં અેકસાથે 200 ઉપરાંત ઢોરો પકડાયા બાદ દંડમાં રાહતનો નિર્ણય પણ લેવાયો છે, જેથી પ્રત્યેક ઢોરે 5000 રૂપિયાનો દંડ ઘટાડીને 2000 કરી દેવાયાના હેવાલ છે.

ભુજ નગરપાલિકાના પદાધિકારીઅો અને વહીવટી અધિકારીઅોને શહેરની વ્યવસ્થા જાળવવામાં વગદારો દ્વારા નીતિ નિયમોમાં બાંધછોડ કરવા દબાણ થતો હોય છે, જેથી નગરપાલિકાની ગાડી ક્યારેય પાટે ચડતી નથી અે જગજાહેર છે. જેના કારણે પદાધિકારીઅો અને વહીવટી અધિકારીઅો પણ ઉદાહરણ પૂરું પાડી શકાય અેવી નગરપાલિકા બનાવી પણ નથી શકતા અે પણ અેક હકીકત છે.

શહેરમાં 28મી અોગસ્ટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને જાહેર સભા સ્થળે રખડતા ઢોરો ખસેડવા હુકમો થયા હતા, જેમાં નગરસેવકોના ઢોરો પણ પકડાઈ ગયા છે, જેથી દંડાત્મક કાર્યવાહી વિના છોડી મૂકવા દબાણો થઈ રહ્યા છે. જેના પગલે નાના કર્મચારીઅોનો મરો થયો છે. કેમ કે, અેક બાજુ કાંઈ પણ અડચણ હોય તો લેખિતમાં રજુઅાત કરવા મુખ્ય અધિકારી કહે છે અને લેખિતમાં અાપે તો પદાધિકારીઅો નોકરી ખાઈ જાય અેવી ભીતિ છે, જેથી કર્મચારીઅો અકળાઈ ગયા છે.

અામ, ભુજ નગરપાલિકામાં પકડાયેલા રખડતા ઢોરો ઉપર રાજકારણ શરૂ થઈ ગયું છે. જિલ્લા ભાજપ, ભુજ તાલુકા ભાજપ, ભુજ શહેર ભાજપના હોદેદારો કેવી રણનીતિ અપનાવે છે. અેના ઉપર સાૈ મીટ માંડી બેઠા છે. પરંતુ, સોશિયલ મીડિયાના જમાનામાં પ્રદેશ કક્ષાના નેતાઅો સુધી પળેપળનો અહેવાલ પહોંચી જતો હોય છે, જેથી કોઈની મુઠ્ઠી બંધ રહે અેવી સંભાવના નથી.

હા, દંડની રકમ ઘટાડાઈ : સેનિટેશન ચેરમેન
સેનિટેશન સમિતિના ચેરમેન કમલ ગઢવીને કોલ કરીને પૂછ્યું કે, દંડની રકમ પ્રત્યેક ઢોરે 5000 હતી અે ઘટાડીને 2000 રૂપિયા કરાઈ છે. તો તેમણે કહ્યું કે, હા, માનવતાની દૃષ્ટિઅે અે નિર્ણય લેવાયો છે. તેમને વધુમાં પૂછ્યું કે, શું ભલામણનો દોર શરૂ થઈ ગયો છે. તો તેમણે કહ્યું કે, જે થશે અે બધા સાથે સમાન થશે. સાૈને શિસ્તમાં રહેવું પડે. અેના વિના વ્યવસ્થા સંભવ ન બને. કેટલાક લોકો દંડ ભરીને ગાયો છોડાવી પણ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...