યુવાઓને આકર્ષતી ખાદી મળતી નથી:કચ્છમાં રાજકીય ગરમી પણ રાજકારણીઓના પહેરવેશ ખાદીમાં મંદી

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો સ્થાનિકે ખરીદી વધે તો કચ્છના કારીગરોને પ્રોત્સાહન મળી શકે

જેમ જેમ મતદાનના દિવસો નજીક આવતા જાય છે તેમ ચૂંટણીને લઈને કચ્છમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે પણ રાજકારણીઓના પહેરવેશ એવા ખાદીના વેચાણમાં હજુ પણ મંદી જ દેખાઈ રહી છે.મોટાભાગે રાજકારણીઓ ખાદી પહેરતા હોય છે તેમજ વડાપ્રધાન દ્વારા દેશમાં ખાદીનું વેચાણ વધે તેના માટે અનેકવિધ પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે.તાજેતરમાં કચ્છ જિલ્લામાં શિક્ષકોને પણ ખાદીના વસ્ત્રો ખરીદવા જણાવવામાં આવ્યું હતું. જેથી ગ્રાહકોની વાટ જોતા ખાદીના ભંડારોમાં લોકોની ચહલ-પહલ વધી હતી. હાલમાં જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે નેતાઓ અને તેમના કાર્યકરો પ્રચાર કાર્યને પૂરજોશથી આગળ વધારી રહ્યા છે.

કચ્છમાં રાજકારણે રંગ પકડી લીધો છે પણ રાજકારણીઓના પહેરવેશ એવા ખાદીના વેચાણમાં હજી રંગ જામ્યો નથી. જોકે,વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ખાદીની દુકાનોમાંથી સફેદ-રંગીન ખાદી, પોલીવસ્ત્ર, રેશમ ખાદી સહિત ગાંધી ટોપી માટે પૂછપરછનો દોર વધી રહ્યો છે.ભુજમાં સામાન્ય દિવસોની જેમ જ ખાદીનું વેચાણ થઈ રહ્યું છે.ખાસ કરીને શિક્ષકો, ગામના સરપંચો,આગેવાનો અને જે વડીલો વર્ષોથી ખાદી પહેરે છે તેઓ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે.ચૂંટણી નજીક આવશે તેમ ખાદીના વેચાણમાં વધારો થાય તેમ મનાઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે,સ્વતંત્રતા ચળવળ દરમિયાન લોકો વિદેશી માલનો બહિષ્કાર કરે અને સ્વદેશી અપનાવે તેવા હેતુથી મહાત્મા ગાંધીએ ખાદીના વસ્ત્રોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું હતું પણ હાલ આ ઉધોગ અસ્તિત્વ ટકાવવા માટે પણ ઝઝૂમી રહ્યો છે.કચ્છમાં કોઠારાથી ભુજ સુધી ખાદી વિસ્તરેલી છે પણ જોઈએ તેટલું વેચાણ થતું નથી.જેમાં મુખ્ય કારણ યુવાઓને આકર્ષતી ખાદી મળતી નથી તેમજ રાજકારણીઓ મોટાભાગે અમદાવાદ,ગાંધીનગરમાં આવેલા શો રૂમમાંથી ખરીદી કરતા હોવાનું માનવામાં આવે છે.જો સ્થાનિકે ખરીદી વધે તો કચ્છનાં કારીગરોને પ્રોત્સાહન મળે તેમ છે.

31 ડિસેમ્બર સુધી ખાદીની ખરીદી પર રિબેટ મળશે
2 ઓક્ટોબર ગાંધી જ્યંતીથી ખાદીની ખરીદી પર વળતર આપવામાં આવી રહ્યું છે.જેમાં આગામી 31 ડિસેમ્બર સુધી પરપ્રાંતની ખાદી પર 15 ટકા, ગુજરાતની સુતરાઉ ખાદી પર 40 ટકા વળતર રહેશે.હાલમાં ખરીદીમાં કોઇ નોંધપાત્ર વધારો આવ્યો નથી - જયસુખ ટાંક,ખાદી ગ્રામોદ્યોગ મંડળ, મંત્રી

અન્ય સમાચારો પણ છે...