ધરપકડ:કચ્છમાં 4 દરોડામાં 16 જુગારી 6.61 લાખની રોકડ સાથે પોલીસ ઝપટે ચડ્યા

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શ્રાવણ માસ પૂરો થઇ ગયો છતાં પણ કેટલાક સ્થળોએ જુગારીઓ પડ માંડીને બેસે છે
  • ભચાઉ,દુર્ગાપુર,મુન્દ્રા અને ઘડુલીમાં સ્થાનિક પોલીસે બોલાવ્યો સપાટો

શ્રાવણ મહિનો પૂરો થઇ ગયો હોવા છતાં પણ કચ્છમાં કેટલાક સ્થળોએ જુગારીઓ જુગાર રમી રહ્યા છે, ત્યારે કચ્છમાં સ્થાનિક પોલીસે જુગાર પર તવાઇ બોલાવી ભચાઉ, દુર્ગાપુર, મુન્દ્રા અને ઘડુલીમાં દરોડા પાડી 4 દરોડામાં 16 જુગારીઓને રૂ.6.61 લાખ રોકડ રકમ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી.

ભચાઉ પાસે વાડીમાંથી 7 જુગારી 6.13 લાખ રોકડ સાથે ઝડપાયા
ભચાઉ થી નવાગામ તરફ જતા રસ્તા પર આવેલી કેનાલ પાસેની ચંદુભાઇ સુથારની વાડીમાં અમુક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડી ઝારૂના ઝાડ નીચે ગંજીપાના વડે જુગટું રમી રહેલા હરેશ પ્રિતમલાલ આચાર્ય, કિર્તીભાઇ ચંદુલાલ ઠક્કર, ઇશ્વરભાઇ સવજીભાઇ આહિર,રમેશ બાબુલાલ સંઘવી, પ્રકાશ મોહનભાઇ પ્રજાપતિ, નરેન્દ્રપુરી શિવપુરી ગોસ્વામી અને ચંદુભાઇ બાબુલાલ સુથારને રૂ.6,13,500 રોકડ તેમજ રૂ.35,500 ની કિંમતના 5 મોબાઇલ સહિત કુલ રૂ.6,49,000 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરાઇ હોવાનું પીએસઆઇ વી.પી.આહિરે જણાવ્યું હતું.

દુર્ગાપુર નજીક જુગટું રમતા 3 ખેલી 27 હજાર રોકડ સાથે જબ્બે, 1 નાસી ગયો
માંડવી તાલુકાના દુર્ગાપુર ગામ પાસે જીઆઇડીસી નજીક બાવળની ઝાડીમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા શિકરાના જીતુભા લાખુભા જાડેજા, માંડવીના મોહિબ ઇકબાલખાન પઠાણ અને ગાંધીધામના નીલમ હસમુખભાઇ શનકલપુરાને રૂ.27,000 રોકડ, રૂ.3 લાખની કિંમતની કાર, અને બે મોબાઇલ સહિત 3,32,000 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા જ્યારે દરોડા દરમિયાન માંડવી રહેતો ચીરાગ ભાટિયા નામનો ઇસમ નાસી ગયો હતો.

ઘડુલી પાસે ધાણીપાસાના 3 જુગારી 3 હજાર રોકડ સાથે ઝડપાયા
લખપત તાલુકાના ઘડુલી ગામ થી ધારેશી તરફ જતા રોડ પર આવેલા પાણીના ટા઼કા પાસે પેટ્રોલિંગ કરી રહેલી દયાપર પોલીસે ધાણી પાસાનો જુગાર રમી રહેલા અલીમામદ સિદ્દિક કુંભાર, બાબુલાલ ભીમજી જાગરિયા અને ખજુરભાઇ પારૂજી ત્રિવેદીને રૂ.3,200 રોકડ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી.

મુન્દ્રામાં 3 જુગારી 17 હજાર રોકડ સાથે પકડાયા
મુન્દ્રાની નર્મદાનગર સોસાયટી બાજુમાં આવેલી દિવાલની પાછળ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા નારૂનાથ શોભાનાથ, હરી દેવાંધ ગઢવી અને નરેશ શિવજી મહેશ્વરીને રૂ.17,300 રોકડ રકમ સાથે મુન્દ્રા પોલીસે દરોડો પાડી પકડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...