તપાસ:પાલારા જેલમાં મળેલા ત્રણ મોબાઇલ ફોનનું પગેરૂં મેળવા પોલીસે કમર કસી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત માર્ચથી જેલમાં મોબાઇલ મળી આવવાનો ત્રીજો બનાવ
  • બે સીમ કાર્ડ પણ મળતાં પોલીસની કોલ ડિટેઇલની દિશામાં છાનબીન

ભુજની પાલારા ખાસ જેલમાં પ્રતિબંધિત એરિયામાંથી મોબાઇલ મળી આવ્યાનું જાણે સામાન્ય બની ગયું હોય તેમ છેલ્લા છ માસ દરમિયાન આ ત્રીજો બનાવ સામે આવ્યો છે. અમદાવાદથી આવેલી જડતી સ્કવોડની ટીમને તપાસ દરમિયાન ત્રણ મોબાઇલ મળી આવ્યા છે. જેમાં બે સીમ કાર્ડ વીનાના અને એક બે સીમ કાર્ડ સાથેનો મળી આવતાં પોલીસે આરોપીઓનું પગેરૂં મેળવવા તેમજ કોલ ડિટેઇલ સહિતની છાનબીન હાથ ધરી છે.

ઘટના અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે જેલ સુધારાત્મક વહીવટી કચેરી અમદાવાદના જડતી સ્કવોડ જેલર દેવશી રમણભાઇ કરંગીયાએ મોબાઇલ ફોન વાપરનારા જે કોઇ કેદી આરોપી નીકળે તેમના વિરૂધ ફરિયાદ નોંધાવી છે. જડતી સ્કવોડની ચેકિંગ દરમિયાન યાર્ડ નં.6ની પાછળના ભાગે જેલની મુખ્ય દિવાલ બાજુમાં આવેલ થાંભલા પાસે તેમજ યાર્ડ નં.7 ની બેરક નં.2 બાજુમાં આવેલ જનરલ શૌચાલયની લાદી નીચેથી એક સાદો અને એક એન્ડ્રોઇડ મોબાઇલ સહિત ત્રણ મોબાઇલ જેમાં એક બે સીમકાર્ડ સાથેનો બીન વારસુ મળી આવતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એમ.આર.મહેશ્વરીએ જણાવ્યું હતું કે, સીમ કાર્ડ પરથી કોલ ડિટેઇલ મેળવાની તજવીજ સાથે આરોપીઓને શોધવા છાનબીન હાથ ઘરાઇ છે. અત્રે ઉલેખનીય છે. કે, ગત માર્ચ મહિનાથી પાલારા જેલમાં મોબાઇલ મળી આવવાનો આ ત્રીજો બનાવ બન્યો છે. જ્યારે પણ જડતી સ્કવોડની ટીમ તપાસમાં આવે ત્યારે પાલારા જેલનું ભોપાળું ખુલ્લંુ પડી જાય છે. હાલમાં જ એક કેદીને માવા મસાલા આપવા આરોપી જેલની દિવાલ પરથી પેકેટો સાથેનું પોટલું ફેકી ગયો હતો. બીજી તરફ અગાઉ મોબાઇલ મળી આવાના કેસમાં પણ હજુ ભુદ ઉકેલાયો નથી.

અન્ય સમાચારો પણ છે...