ભાસ્કર એક્સક્લૂઝિવ:બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી વગર જ કચ્છ યુનિવર્સિટીને LLM કોર્ષ શરૂ કરવાની ઉતાવળ, છાત્રોના ભવિષ્ય સાથે રમત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વિવાદ :અભ્યાસક્રમ શરૂ થાય તે પહેલા જ પ્રક્રિયા ગૂંચમાં, સપ્ટેમ્બર આવ્યો છતાં નિર્ણયના અભાવથી અજંપો
  • 260 ફોર્મ ભરાયા ના એક માસ પછી પણ ફી, પ્રોફેસર,અભ્યાસક્રમ સહિતના પ્રશ્નો અધ્ધરતાલ

કચ્છ યુનિવર્સિટી દ્વારા માસ્ટર ઇન લો ની ડીગ્રી માટે ચાલુ વર્ષથી LLM કોર્ષની શરૂઆત કરાઈ હોવાની માહિતી વિદ્યાર્થીઓને આપીને આવેદનપત્ર મંગાવવામાં આવ્યા હતા.જેમાં 260 જેટલા છાત્રોએ ફોર્મ ભરીને રસ દાખવ્યો હતો.જોકે ફોર્મ સ્વીકાર્યાના 1 મહિના પછી પણ આ કોર્ષ અધ્ધરતાલ પડ્યો છે.સતાધીશો પ્રક્રિયા ચાલુમાં હોવાનું રટણ કરે છે પણ મૂળ પાયા સમાન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી ન મેળવાઈ હોવાની વાત પણ સામે આવી છે.

ખુદ છાત્રો પણ દ્વિધામાં મુકાઇ ગયા
વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવી લીધા બાદ પણ કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.જેથી ખુદ છાત્રો પણ દ્વિધામાં મુકાઇ ગયા છે.અન્ય યુનિવર્સિટીમાં પરીક્ષાના આયોજન થઈ રહ્યા છે અને કચ્છ યુની.માં નવા કોર્ષના હજીય કોઈ ઠેકાણા નથી.જુલાઈથી છેક સપ્ટેમ્બર આવી ગયો છતાં પ્રશ્નો અધ્ધરતાલ હોવાથી વિદ્યાર્થીઓમાં અંજપો છે.માહિતીગાર સૂત્રો જણાવે છે કે,નવી શિક્ષણનીતિ પ્રમાણે વર્ષ 2022-23થી લીગલ એજ્યુકેશન શરૂ કરવા માટે બાર કાઉન્સીલની મંજૂરી અનિવાર્ય છે.

મંજૂરી લીધા વગર છાત્રો પાસેથી ફોર્મ મંગાવી લીધા
અગાઉ કોલેજોમાં આ કોર્ષ થતા પણ હવે માત્ર યુનિવર્સિટીમાં જ થઈ શકશે.અને જો અધ્યાપક,ઓછા વિદ્યાર્થીઓ સહિતની ત્રુટીઓ જણાઈ આવે તો કોર્ષ બંધ પણ થઈ શકે.ગેજેટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે,એલએલએમ શરૂ કરવું હોય તો તેના પ્રોફેસર સહિતની તમામ માહિતી BCIને આપી મંજૂરી લેવી જોઈએ પણ કચ્છ યુનિવર્સિટીના સતાધીશોએ આવી કોઈ મંજૂરી લીધા વગર છાત્રો પાસેથી ફોર્મ મંગાવી લીધા છે. જે તેમના ભવિષ્ય સાથે રમત સમાન છે.તાજેતરમાં આ નિર્ણય સામે સ્ટે આવ્યો પણ તે 1 વર્ષનો કોર્ષ માન્ય રાખવો કે નહીં ? તેની સામે આવ્યો છે.કારણકે આ અભ્યાસક્રમ બે વર્ષનો છે.

બાર કાઉન્સીલની મંજૂરીની કોઈ જરૂરિયાત નથી : રજિસ્ટ્રાર
ગુજરાતની અન્ય યુનિવર્સિટીએ પણ આ કોર્ષ શરૂ કરવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી લીધી નથી. આપણે પણ મંજૂરી લેવાની જરૂરિયાત નથી.નવો કોર્ષ અને પ્રથમ વર્ષ છે એટલે શરૂ કરવામાં વિલંબ થયો છે જોકે,દક્ષિણ ગુજરાત યુની.મા પણ હજી 2 દિવસ પૂર્વે જ લિસ્ટ બહાર પડ્યું છે.અભ્યાસ માટે 1 પ્રોફેસરની નિયુક્તિ કરવામાં આવી છે બીજા અધ્યાપક તરીકે વિઝીટિંગ ફેકલ્ટીને બોલાવવામાં આવશે.દસ દિવસમાં તમામ પ્રશ્નોનો હલ આવી જશે.> પ્રો.ઘનશ્યામ બુટાણી,
રજીસ્ટ્રાર કચ્છ યુની.

નેતાઓ ‘પાંકે કુરો’ની નીતિ ત્યજી આ મુદ્દો ઉપાડે તે જરૂરી
વડાપ્રધાનના હસ્તે જે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે તે કચ્છ યુનિવર્સિટીમાં વિવાદ હવે પર્યાય બની ગયો છે.રાજ્ય સરકાર તરફથી અન્યાય થઈ રહ્યો છે તેની સાથે સ્થાનિકે પણ પ્રશ્નો ઉદભવી રહ્યા છે ત્યારે આ શૈક્ષણિક સંસ્થામાં ક્રાંતિકારી પરિવર્તનના પગલાંઓ માટે શાસક પક્ષના નેતાઓ આગળ આવશે કે પછી માત્ર પાંકે કુરોં પાંકે કુરોનું રટણ કરશે તેવો સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે.

આ પ્રશ્નો સવાલોની હારમાળા સર્જે છે

  • બોર્ડ ઓફ સ્ટડીઝમાં શું થયું?
  • એકેડમી ઓફ કાઉન્સીલમાં શું થયું?
  • એક્ઝીક્યુટીવ ઓફ કાઉન્સીલમાં શું થયું?
  • કેટલા સેમેસ્ટર? કેટલી ફી?
  • કરાર આધારિત અધ્યાપકની નિમણૂંકો ગુંચમાં

ph.d જેવા હાલ ન થાય
પીએચડીની પરીક્ષા માટે અંદાજીત 750 વિદ્યાર્થીઓએ એકની 1500 લેખે ફી જમા કરાવી હતી.પણ આજે એકવર્ષ પછીય કોઈ નિર્ણય આવ્યો નથી.છાત્રોનું ભવિષ્ય અધવચ્ચે લટકી પડ્યું છે તેવી જ સ્થિતિ આ કોર્ષમાં પણ ન સર્જાય તે માટેની ભીતિ તજજ્ઞો દ્વારા વ્યકત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...