મુખ્ય સચિવ પંકજ કુમારે સ્મૃતિવનના વિવિધ વિભાગોની પ્રગતિ વિશે અધિકારીઓ અને એજન્સીઓના પ્રતિનિધિઓની સાથે કલેક્ટર કચેરીએ બેઠક યોજી હતી. કેટલું કાર્ય પૂર્ણ થયું છે તે માહિતી પ્રેઝેન્ટેશનના માધ્યમથી મેળવી હતી. આ ઉપરાંત તેઓએ સ્મૃતિવન પરિસરની મુલાકાત લઈને કાર્યરત કામોનું નિરીક્ષણ કરીને જે કામ બાકી છે તેને દિવસ દસમાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓ તથા એજન્સીઓને સૂચના આપી હતી.
સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું હતું, કે દસમી ઓગષ્ટે કામ પૂર્ણ કરવાની તાકીદ કરી છે, એનો મતલબ ઓગષ્ટ અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેના આ ડ્રીમ પ્રોજેક્ટ નું લોકાર્પણ કરે. ભુજિયા ડુંગરમાં આકાર લઈ રહેલા સ્મૃતિવનની મુલાકાત દરમિયાન જે વિભાગની કામગીરી પૂર્ણ થઈ છે તેને લઈને મુખ્ય સચિવે સંતોષ વ્યક્ત કર્યો હતો. જે વિભાગની કામગીરી બાકી છે તેને લઈને તમામ સહયોગ આપવા ખાતરી આપી હતી અને કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે બાબતે સૂચના આપી હતી.
ખાસ કરીને હવેનું કામ માનવબળ આધારિત હોય તો મહત્તમ સંખ્યામાં માનવબળ સાથે વિવિધ કામ પૂર્ણ કરવા તેઓએ એજન્સીઓને ભારપૂર્વક કહ્યું હતું.સ્મૃતિવનની મુલાકાત અને તેના સંદર્ભે યોજાયેલી બેઠક દરમિયાન અધિક મુખ્ય સચિવ (મહેસુલ અને GSDMAના સીઇઓ) કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરી એસ.બી.વસાવા, માર્ગ-મકાન વિભાગના ઇલેક્ટ્રીકલ સુપ્રીટેન્ડેટ યુ.ઓઝા, કલેક્ટર પ્રવિણા ડી.કે, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વી.એન.વાઘેલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોડાયથી નર્મદા કેનાલની અંતિમ સાંકળનું લોકાર્પણ, વરસાણા-ભુજ રોડનું ખાતમૂહુર્ત થશે
સ્મૃતિવન પ્રોજેક્ટ ખુલ્લું મૂકવાની સાથે સાથે અન્ય ત્રણ મહત્વની યોજનાનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત પણ કરશે. જેમાં ખેતી માટે જીવાદોરી સમાન નર્મદા બ્રાન્ચ કેનાલના અંતિમ છેડે મોડકુબા નજીક એટલે કે કોડાય પાસે વન મિલિયન એકર ફીટ પાણી માટેની યોજના લોકર્પિત કરવાનો કાર્યકમ ગોઠવાય તેવી સંભાવના આધારભૂત સૂત્રોએ વ્યકત કરી હતી. તો સાથે સાથે વારસાણા-ભુજ ચાર માર્ગીય રૂપાંતરણનું ખાત મુહુર્ત, અંજાર ખાતે વીર બાળભુમી અને નર્મદાની ત્રણ કેનાલ પરિયોજનાનું ખાત મુહૂર્ત કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.