ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તેલ, મસાલા અને કેરીના ભાવમાં 25 થી 30 ટકા જેટલા ભાવ વધારાના કારણે અથાણાં બનાવવા મોંઘા પડશે. જૂની પેઢી ઘરમા જ અથાણાં બનાવવાનો આગ્રહ રાખે છે.જ્યારે નવી પેઢી બનાવવાની ઝંઝટ માં પડ્યા વિના બજારમાંથી તૈયાર અથાણાં ખરીદી કરી લેવાને પ્રાધાન્ય આપે છે.
કાચી કેરીનું બજારમાં આગમન થતાં ગૃહિણીઓ અથાણાં બનાવવામાં વ્યસ્ત બની છે. અબડાસા તાલુકાના સાંધાણ ગામ ના ખેડૂત ઉડિયાણ અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, તેમની વાડીમાં વડીલો પાર્જિત દેશી આંબાના પંદરેક વૃક્ષો છે. હમણાં ફાલ ઠીક ઠીક આવ્યો છે. અથાણાંની સીઝન શરૂ થતાં પચાસેક રૂપિયાના ભાવે છૂટક કેરી નું વેચાણ કરવામાં આવે છે.
દાયકાઓ અગાઉ દેશી કેરીનો રસ બનાવવમાં કે ચૂસવા માટે ઉપયોગ થતો હતો.પણ હવે કેસર કેરીનું આગમન થતાં લોકો ખાવા માટે કેસર કેરીને અગ્રતા આપે છે. જેથી દેશી કેરી નું મહત્વ સાવ ઘટી ગયું છે. કરિયાણાના વેપારી ગોસ્વામી કૃણાલે જણાવ્યું હતું કે આ વર્ષે , અથાણાં બનાવવા માટે ની સામગ્રીમાં ગત વર્ષ કરતાં 25 થી 30 ટકા જેટલો ભાવ વધારો છે.
ગૃહિણી કોમલબેને કહ્યું હતું કે, દેશી આંબાની કાચી કેરીમાંથી ગોળ કેરી, મુરબ્બો , છૂન્દો, ખાટી-મીઠી કટકી જેવા વિવિધ પ્રકારના અથાણા બનાવવામાં આવે છે. સામાન્ય રીતે બજારમાં તૈયાર મળતા અથાણાના બદલે પોતાના ઘરે જ અથાણા બનાવવાની વડીલોની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. જો કાચી કેરી ન મળે તો નાછૂટકે બજારમાં તૈયાર મળતા અથાણાની ખરીદી કરવી પડે છે.
ઉનાળામાં બનતા અથાણા લાંબો સમય સુધી સૂર્યનાં તાપમાં સુકવવામાં આવે છે. ત્યાર પછી કાચ અથવા ચીનાઈ માટીની હવાચુસ્ત બરણીમાં ભરી સાચવવામાં આવે છે. અથાણાઓમાં રહેલ ખટાશનો અમ્લિય ગુણ તેમાં જીવાણુઓને થતાંં રોકે છે.તેલ તેના સંરક્ષક તરીકે કાર્ય કરે છે. ધંધાદારી અથાણાંં બનાવનાર ‘સાઇટ્રિક એસિડ’ અને ‘સોડિયમ બેન્ઝોએટ’ નો ઉપયોગ સંરક્ષક તરીકે કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.