ભુજ નગરપાલિકામાં મંજુર મહેકમ પૂરું કરવાની તસદી તો નથી લેવાઈ પણ પી.અેફ. જમા કરાવવાની મહેકમ શાખા પણ તસદી લેતી નથી. હાલ 350 કર્મચારીઅોમાંથી 67 કર્મચારીઅોના પી.અેફ.ની રકમ જમા જ કરાવવામાં નથી અાવતી.
બે દાયકા પહેલા માત્ર 5 કિ.મી.ના ઘેરાવામાં માનવ વસ્તી હતી. જેનું સંચાલન કરવા ભુજ નગરપાલિકાને જે મહેકમ મળ્યું હતું અેજ મહેકમ હાલ 54 કિ.મી.ના ઘેરાવામાં ફેલાયેલી વસાહતો માટે છે. દર વર્ષે વધતા વિસ્તાર અને વસતી મુજબ મહેકમ વધારવાની તસદી લેવાઈ ન હતી. અધૂરામાં પૂરું જૂના મહેકમમાં 10થી 20 ટકા મહેકમ કાપની અમલવારી અાવી ગઈ. બીજી તરફ મંજુર મહેકમની ઘટ પૂરવા તસદી લેવાઈ નહીં, જેથી ઘટ સતત વધતી રહી. હાલ પૂર્ણકાલિન કર્મચારીઅો અાંગળીના વેઢે ગણાય અેટલા છે અને અંશકાલિન કર્મચારીમાં રોજંદાર અને ફિક્સવાળાની સંખ્યા વિશાળ છે.
જે તમામ કર્મચારીઅો મળીને 350 ઉપરાંત થાય છે. જેમના પી.અેફ.ની રકમ જમા કરાવવાની હોય છે. જે રકમ જમા ન થતી હોવાનો અને જમા થયાની સ્લીપ ન મળતી હોવાની ફરિયાદ અવારનવાર ઉઠતી રહી છે. તાજેતરમાં અેવી ફરિયાદ ઉઠતા તપાસમા જાણવા મળ્યું કે, 67 જેટલા કર્મચારીઅોના પી.અેફ. જમા નથી થયા.
કેમ કે, સંબંધિત શાખાઅે અેમના કર્મચારીઅોના જરૂરી ડોક્યુમેન્ટ જમા નથી કરાવ્યા. પરંતુ, અહીં સવાલ અે છે કે જો જરૂરી ડોક્યુમેન્ટ જમા નથી કરાવ્યા તો અે નોકરીમાં ચાલુ કેમ છે અને અેમના પગાર કેમ પડે છે. હકીકતમાં જરૂરી દસ્તાવેજો અેકઠા કરવાની જવાબદારી મહેકમ શાખાની છે અને દસ્તાવેજો વિના પગાર ન ચૂકવવાની જવાબદારી અેકાઉન્ટ વિભાગની છે. અામ છતાં લોલમલોલ કેમ ચાલે છે. જે બાબતે અોડિટમાં પેરા નીકળે છે કે કેમ અને પૂર્તતા થાય છે કે કેમ અે અેક પ્રશ્ન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.