અંજાર તાલુકાના સાપેડા ગામે ગત તા. 2 મેના રોજ દલિત સમાજના યુવાનોને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ અંજાર મથકે નોંધાઇ હતી. આ ઘટના બાદ દલિત સમાજના પરિવારોને દુકાનો પરથી કોઈ જ વસ્તુ આપવામાં ના આવતી હોવાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. તેમજ આ મામલે ભુજ કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ કેસના આરોપીઓને તા. 13 મે સુધી ઝડપવામાં નહિ આવે તો સાપેડા ગામના દલિત પરિવારો હિઝરત કરશે તેવી લેખિત ચીમકી આપવામાં આવી હતી. જેનો અમલ ના થતા આજે શુક્રવારે દલિત સમાજના ભાઈઓ દ્વારા વડા મથક ભુજના તંત્ર સમક્ષ ફરિયાદ કરવા પગપાળા જ પ્રયાણ શરૂ કરવામાં આવ્યું છે.
સાપેડા ગામે થયેલી બબાલ બાદ એટ્રોસિટી ગુનામાં ફરાર પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે આ કેસના મુખ્ય આરોપી સહિત બે આરોપીઓ હજુ સુધી ના ઝડપાતાં સાપેડા ગામના દલિત સમાજના પરિવારોએ આજે બપોરે સાપેડા ગામથી ભુજ તરફ હિજરત શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારના સભ્યો દ્વારા ભુજ તરફ પ્રયાણ કર્યું હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વહેતો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે લોકોએ ભુજ ખાતે જઇ સંબંધિત તંત્ર સમક્ષ ફરિયાદ કરવા પ્રયાણ કર્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.