ક્રાઈમ:કચ્છી રોકાણકારોના 14 કરોડ ઓળવનારા મુન્દ્રાના શખ્સની ધરપકડનો માર્ગ મોકળો

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ સેશન્સ કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યા
  • પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ શખ્સને શોધવા 3 ટીમો બનાવી

મુંબઈમાં રહેતા કચ્છીઓ સાથે 14 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરનારા શખ્સના આગોતરા જામીન મુંબઈની સેશન્સ કોર્ટે નકારી કાઢતા આ વ્યક્તિની ગમે ત્યારે ધરપકડ થશે તેવા અણસાર દેખાઈ રહ્યા છે.આ માટે પોલીસે 3 ટીમો પણ બનાવી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મુંબઈમાં રહેતા અને કચ્છી જૈન સમાજ પર પોતે ધાર્મિક હોવાનો પ્રભાવ નાખીને ધાર્મિક કાર્યક્રમોમાં વ્યાખ્યાનો આપી કચ્છી જૈન સમાજનો વિશ્વાસ સંપાદિત કરીને મૂળ મુન્દ્રા તાલુકાના વતની એવા દીપેન ધનસુખ ચંદુઆએ પોતાની કંપનીઓમાં રોકાણ કરવા માટે અનેક કચ્છીઓને લાલચ આપીને પોતાની માયાજાળમાં ફસાવ્યા હતા.મુન્દ્રા તાલુકાના હેમલ મનસુખલાલ શાહ અને નાણાદલાલ ચેતન વિસરિયા મારફતે કચ્છી જૈન સમાજના સેંકડો રોકાણકારોએ દીપેન ચંદુઆની કંપનીમાં 14 કરોડથી વધુ રકમનું રોકાણ વર્ષ 2017 થી કર્યું હતું અને રોકાણકારોને 2019માં નફા સહિતની રકમ પરત આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

પરંતુ આરોપી દીપેન રોકાણકારોને રૂપિયા આપવાના બદલે તેઓના નાણા લઈને મુંબઈથી ફરાર થઈ ગયો હતો.જેથી રોકાણકારો વતી કચ્છ લડાયક મંચ દ્વારા મુંબઈની આર્થિક ગુના નિવારણ શાખાના જોઈન્ટ પોલીસ કમિશનર સમક્ષ 3 એપ્રિલ 2019 ના આધાર પુરાવા સાથે ફરિયાદ આપવામાં આવી હતી.જે સાચી હોવાનું સામે આવતા વર્ષ 2021 માં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગુનો દાખલ થયા બાદ આ શખ્સ મુંબઈ પોલીસથી બચવા નાસતો ફરતો હતો તેમજ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.પરંતુ કોર્ટે 28 જુલાઈ 2022ના તેની આગોતરા અરજી નામંજૂર કરી છે તેવું જણાવતા કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોષીએ કહ્યું કે, રોકાણકારોના નાણા લઈને ફરાર થઇ જનારા દીપેન ચંદુઆની ધરપકડ કરવા માટે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...