પરિપત્ર જાહેર:કચ્છના 12 હજાર ભૂકંપ પીડિતોને બે દાયકા બાદ મકાનનો માલિકી હક્ક મળવાનો માર્ગ મોકળો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાઓ દ્વારા બનાવી અપાયેલા મકાનની સનદ આપવા પરિપત્ર જાહેર

વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છમાં સરકારી અને બિનસરકારી સંસ્થાઓએ અસરગ્રસ્ત લોકોના પુન:વસન માટે સરકારી અને ખાનગી જમીનોમાં મકાનો બનાવી આપ્યા હતા. જિલ્લામાં અંદાજે 12 હજાર જેટલા ભૂકંપ પીડિતોને તેનો લાભ અપાયો હતો પણ મકાનની માલિકીનું કોકડું છેલ્લા બે દાયકાથી ગૂંચવાયેલું હતું. આખરે રાજ્ય સરકારે આવા લાભાર્થીઓને મકાનની સનદ સાથે માલિકી હક્ક આપવાનો પરિપત્ર બહાર પાડ્યો છે.

કચ્છના કેટલાક ગામોમાં અસરગ્રસ્તોને તેમના મકાનની માલિકી ન મળી હોવાની અનેકવાર રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરાઇ હતી. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં જમીનો ગામતળ કે નીમ થઇ ન હોવાથી મિલકત આકારણી રજીસ્ટરે ન ચડતાં લાભાર્થીઓ સહાય કે અન્ય સરકારી લાભોથી વંચિત રહેતા હતા. ભૂંકપના 20 વર્ષ બાદ હવે પીડિતોને માલિકી હક્ક આપવા ઠરાવાયું છે.

સંસ્થાઓ દ્વારા વસાવાયેલા ગામોના ગામતળ નીમ થયા છે પણ સનદ નથી અપાઇ તેવા મકાનના માલિકો કબજા કિંમત વસૂલ્યા સિવાય તાલુકા વિકાસ અધિકારીએ સનદ આપવાની રહેશે. ખાનગી માલિકીની જમીન બિનખેતીમાં ફેરવાઇ ન હોય તેવા કિસ્સામાં જમીન માલિકો પાસેથી તેમનો હક્ક જતો કરતું સ્વૈચ્છિક રાજીનામું મેળવાયા બાદ મકાનની માલિકી હક્ક આપવાની પ્રક્રિયા હાથ ધરાશે.

જે ગામોમાં સંસ્થાઓએ મકાન બનાવી આપ્યા છે પણ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઇ નથી ત્યાં પણ જમીન માલિકો પાસેથી સરકારની તરફે હક્ક જતો કરીને સ્વૈચ્છિક રાજીનામું મેળવાશે ત્યાર બાદ જે તે મકાનની સનદ તેના માલિક કે કબજેદારને આપવામાં આવશે. કેટલાક કિસ્સામાં સરકારી પડતર જમીન પર સંસ્થાઓએ પીડિતોને મકાન બનાવી આપ્યાં છે તેમાં ગામતળ નીમ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે જે સંપન્ન થતાં મકાનનો માલિકી હક્ક આપવામાં આવશે.

આમ આખરે બે દાયકા બાદ કચ્છના 12 હજાર જેટલા લાભાર્થીઓને મકાનનો માલિકી હક્ક મળવાનો માર્ગ મોકળો થયો છે. કચ્છમાં વિવિધ સંસ્થાઓ દ્વારા બનાવાયેલા 12 હજાર જેટલા આવાસોને મહેસૂલી દરજ્જો આપવાનો સૈધ્ધાંતિક નિર્ણય સરકારે લીધો છે તેવી ટ્વિટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા. 5/5ના પોતાના વ્યક્તિગત એકાઉન્ટ પર કરીને થોડા સમયમાં ડિલિટ કરી નાખી હતી જેના પગલે તર્ક-વિતર્ક ફેલાયા હતા. આ ઘટનાના 20 દિવસે મહેસૂલ વિભાગે ધોરણસર પરિપત્ર બહાર પાડ્યો છે જેના પગલે કચ્છનું વહીવટીતંત્ર લાભાર્થીઓની યાદી બનાવવા સહિતની કામગીરી કરવા માટે હરકતમાં આવ્યું છે.

સરકારનો નિર્ણય આવકારદાયક
સરકારે ભૂકંપ પીડિતોને મકાનની માલિકી આપવા માટે લીધેલો નિર્ણય આવકારદાયક છે તેવો પ્રતિભાવ કચ્છ નવનિર્માણ અભિયાન સંસ્થાના પૂર્વ ડાયરેક્ટર સંદીપ વિરમાણીએ આપ્યો હતો. સનદ મળવાથી લાભાર્થીઓ બેન્કની લોન તેમજ સરકારી સહાય લઇ શકશે તેમ તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અભિયાન સંસ્થા દ્વારા ભુજના જીઆઇડીસી હંગામી આવાસમાં 700 જેટલા મકાનો જે તે સમયે બનાવાયા હતા.

છેવટે લાભાર્થીઓ સાચા અર્થમાં માલિક બનશે
સંસ્થાઓએ બનાવી આપેલા મકાનના માલિકોને છેવટે પોતાનો હક્ક મળશે. સરકારે આ દિશામાં લીધેલો નિર્ણય પ્રસંશનીય છે તેમ અભિયાનના વર્તમાન પ્રમુખ દીપેશભાઇ શ્રોફે કહેતાં આવકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...