• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Passengers (Railways) Please Pay Attention: Even After 26 Months Of Kovid, 5 Trains From Places Including Mumbai Are Still Closed!

ભુજને રેલ સેવામાં ફરી એકવાર ઠેંગો:યાત્રીગણ (રેલવે) કૃપયા ધ્યાન દે : કોવિડના 26 મહિના બાદ પણ મુંબઇ સહિતના સ્થળોની 5 ટ્રેનો હજુય બંધ !

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નવી ગાડીઓ તો ઠીક જૂની સેવા શરૂ કરવામાં પણ રેલવે-સરકાર નબળા પુરવાર
  • ભુજથી ઉપડતી શાલીમાર(કોલકત્તા), પાલનપુર તથા દાદરની જ્યારે ગાંધીધામને સાંકળતી ઇન્દોર, પાલનપુર ટ્રેનની સેવા શરૂ ન થઇ

જિલ્લામથક ભુજ રેલવેસ્ટેશનને ટ્રેનની સુવિધા મુદ્દે અવારનવાર ઠેંગો મળતો આવ્યો છે,નવી ટ્રેનની વાત તો દુર રહી પણ જે ટ્રેનો અગાઉ ભુજથી દોડતી હતી તે પણ હજીય બંધ છે જે - તે સમયે કોરોનાના કારણે સરકાર દ્વારા ટ્રેનો બંધ કરવામાં આવી હતી પણ આજે 25 મહિના બાદ પણ આ ટ્રેનો શરૂ થઈ શકી નથી મહત્વની બાબત એ છે કે,ઉત્તર ગુજરાતને સાંકળતી ગાડીઓ શરૂ ન થવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં ભુજ - શાલીમાર,ભુજ - પાલનપુર અને ભુજ - દાદર વાયા પાલનપુર ટ્રેન હજીય શરૂ થઈ શકી નથી.હાલમાં જ્યારે કોવિડ ઓસરી જતા ચાર ધામની યાત્રા માટેનો પ્રવાહ વધ્યો છે તેવામાં શાલીમાર ટ્રેઇન હજીય બંધ હોવાથી ઉજ્જૈન સહિતના સ્થળોએ જવા માટે કોઈ ડાયરેકટ વ્યવસ્થા જ નથી.કચ્છમાં મજૂરી તેમજ સરકારી નોકરી માટે હજારો લોકો ઉત્તર ગુજરાતથી આવ્યા છે પણ બસની જોઈએ તેટલી વ્યવસ્થા નથી તેવામાં પાલનપુર અને દાદરની ટ્રેન કે જે પાલનપુર થઈને દોડતી હતી તે પણ બંધ હોવાથી ઉત્તર ગુજરાતના લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે.

હાલમાં વેકેશનના સમયગાળામાં મુંબઈથી કચ્છ આવવા માટે પ્રવાસીઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે ધાર્મિક પ્રસંગો અને વેકેશન હોવાથી મોટી સંખ્યામાં કચ્છીઓ વતનમાં આવી રહ્યા છે જેથી કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી ટ્રેનમાં હાલ મહિના સુધી વેઇટિંગ ચાલી રહ્યું છે જેના કારણે જો દાદર વાળી ટ્રેન શરૂ થઈ જાય તો ટ્રાફિક થોડોક હળવો કરી શકાય.

ગાંધીધામની જો વાત કરીએ તો,અહીં ભુજની તુલનાએ સૌથી વધુ રેલસેવા છે કારણકે અહીં ટ્રેનો રાખવા માટે વિશાળ જગ્યા અને પરપ્રાંતીય વસ્તીના કારણે અહીં લોકોની અવરજવર વધુ હોય છે તેમ છતાં ગાંધીધામ - પાલનપુર અને ગાંધીધામ - ઇન્દોરની સેવા હજીય બંધ પડી છે. ઉલ્લેખનીય છે કે,એકતરફ રેલવે અને રાજકારણીઓ દ્વારા નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાતો કરવામાં આવે છે અને સ્ટેશનના ડેવલપમેન્ટની વાતો થાય છે પણ હાલમાં નવી ગાડીઓ તો ઠીક જૂની સેવા શરૂ કરવામાં પણ રેલવે-રાજકારણીઓ નબળા પુરવાર સાબિત થયા છે.

છેક મધ્યપ્રદેશના સાંસદે ઈન્દોર-ગાંધીધામ, ભુજ-શાલીમાર ટ્રેન શરૂ કરવા માંગ કરી
કોવિડના કારણે કચ્છથી મધ્યપ્રદેશને જોડતી ટ્રેનો હજીય બંધ છે.ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ, ભુજ-શાલીમાર એક્સપ્રેસ ઉપરાંત ઉજ્જૈન-નાગદા વચ્ચે ચાલતી લોકલ ટ્રેન બંધ હોવાથી મધ્યપ્રદેશના સાંસદ અનિલ ફિરોજિયા દ્વારા રેલવેમાં આ સેવા શરૂ કરવા માટે માંગણી મુકવામાં આવી છે.તેમણે જણાવ્યું કે,આ ટ્રેનો શરૂ કરવા માટે રેલવે મંત્રી સાથે ચર્ચા કરી છે.જીએમ અને ડીઆરએમ સાથે ચર્ચા કરીને બોર્ડને પ્રસ્તાવ મોકલવાનું કહેવામાં આવ્યું છે તેમજ સ્થાનિક ટ્રેનો પણ નાના સ્ટેશનો પર થોભે તે માટે ભાર મુક્યો હતો.

લોકલ ટ્રેનના નામે ભાડા હજીય એક્સપ્રેસના જ વસુલાય છે
રેલવે દ્વારા કોવિડના સમયગાળામાં જે ટ્રેનો શરૂ કરાઇ તે કોવિડ સ્પેશ્યલ ટ્રેનના નામે દોડાવવામાં આવતી પણ કેસો ઘટી જતાં તે બંધ કરી દેવાઈ પણ હજીય ભાડું એક્સપ્રેસ ટ્રેનનું જ લેવામાં આવે છે.રેલસેવા લોકલની પણ તેમાં ભાડા હજીય ઊંચા જ લેવાય છે એકવાર વધેલા ભાડા હજીય ઘટયા નથી.બીજીતરફ પ્લેટફોર્મ ટીકીટનો દર ઘટીને ફરી 10 આવી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...