રાજ્યમાં સૌથી વધુ ખનીજ સંપદાનો જથ્થો કચ્છના પેટાળમાં ધરબાયેલો છે. ખનન માફિયાઓ બેફામપણે ખનીજનું ઉત્ખનન કરીને સરકારી તિજોરીને તો ચુનો ચોપડી રહ્યા છે સાથે માર્ગો પર ઓવરલોડ ખનીજ ભરેલા વાહનો બેફામ દોડતા હોવાથી અવારનવાર માર્ગ અકસ્માતો સર્જાઈ રહ્યા છે.ચૂંટણીના સમયગાળામાં તંત્રની કડકાઈ ઓસરી જતા ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
મોટાભાગે ભુજ-ખાવડા રોડ પર નમકના ઓવરલોડ વાહનો દોડતા હોવાથી અકસ્માતની 3 થી 4 ઘટનાઓ બની છે તો આહીરપટ્ટીના વિસ્તારોમાં પણ બેફામ વાહનો દોડતા હોવાથી તાજેતરમાં એક યુવકનું મોત થયું હતું આ તરફ પશ્ચિમ કચ્છમાં નખત્રાણા હાઇવે, મુન્દ્રા પોર્ટ તેમજ પૂર્વમાં ભચાઉ નેશનલ હાઇવે સહિતના વિસ્તારોમાં ઓવરલોડ ભારે વાહનો વધુ દોડી રહ્યા છે.
નમકની સાથે ચાઈનાકલે,બેન્ટોનાઈટનું ગેરકાયદે ખનન કરીને ક્ષમતા કરતા વધુ પરિવહન કરવામાં આવતું હોઇ રસ્તાઓની હાલત તો ખખડી રહી છે સાથે ડસ્ટ ઊડતી હોવાથી અન્ય વાહનચાલકોને પણ કનડગત થાય છે ચુંટણીના એક મહિનામાં ખાણ ખનીજ, પોલીસ,આરટીઓ સહિતના તંત્રોએ ચૂંટણી કામગીરીમાં ‘વ્યસ્ત’ હોવાનું કારણ આગળ ધર્યું હતું જેના કારણે ખનનમાફીયાઓને કચ્છમાં છૂટોદોર મળી ગયો હોય તેમ કાયદેસરની લિઝમાં પણ ક્ષમતા કરતા વધુ ખનન કરી દેવાયું છે અને ગેરકાયદે લિઝમાંથી પણ ઘણો માલ ઉસેડી મોરબી સહિતના વિસ્તારોમાં મોકલી દેવાયો હોવાનું સૂત્રો જણાવે છે.
લોકોએ પણ રસ્તાઓ પર દિવસ-રાત ઓવરલોડ વાહનોની અવરજવર જોઈ છે પણ જવાબદાર તંત્ર એવા ખાણ ખનીજ વિભાગને આ વાહનો દેખાયા નથી જે બાબતની પણ જાણકારોએ ટીકા કરી હતી.અલબત્ત ખાણ ખનીજ અધિકારીથી વાત કરતા તેમણે હાલમાં ચૂંટણી કામગીરી સંપન્ન થઈ હોવાથી હવે ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો હતો.
ફ્લાઈંગ સ્કવોર્ડની કામગીરી ઘટી ગઈ !
અગાઉ કચ્છમાં ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા રાત્રીના સમયે ઓવરલોડ વાહનો ઝડપીને દંડ કરવામાં આવતો તેમજ લિઝ વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવતી જોકે નવરાત્રી પછી ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી હોય તેવો કોઈ નોંધપાત્ર કિસ્સો નથી.જેથી આ વિભાગની કામગીરી ઘટી ગઈ કે શું ? તેવો ગણગણાટ પણ ઉઠ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.