રાજ્યની સાથે કચ્છમાં પણ ભાજપને પ્રચંડ જીત મળી છે. છ એ છ સીટ ભાજપ જીતી જતા કચ્છ કોંગ્રેસ મુક્ત થઇ ગયું છે. રાપરને બાદ કરતા ભાજપની જીતમાં શહેરી મતદારોએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કચ્છમાં ભાજપનો વોટ શેર 52 ટકા રહ્યો છે. પરંતુ શહેરોમાં તે વધીને અંદાજે 57 ટકા રહ્યો છે. જ્યારે કોંગ્રેસનો વોટશેર એકંદરે 32 ટકા રહ્યો છે. પરંતુ શહેરોમાં તે તેનાથી પણ ઘટી 24 ટકા રહ્યો છે. જ્યારે આપે 9 ટકા નોંધપાત્ર મતો મેળવ્યા છે. કચ્છની સાત નગરપાલિકાઅોમાં કુલ 267610 લોકોઅે મત અાપ્યો હતો. જેમાંથી ભાજપને 152341 મતો, કોંગ્રેસને 66403 મતો અને અાપને 24104 મતો પ્રાપ્ત થયા છે.
11 ટકા મતો નોટા, અન્ય પક્ષો અને અપક્ષોને ફાળે ગયા છ.ભાજપ સામાન્ય રીતે શહેરોમાં સારૂ પ્રદર્શન કરતુ હોય છે. પરંતુ આ ચૂંટણીમાં શહેરોની સાથે અબડાસા, લખપત, નખત્રાપા, રાપર અને ભચાઉના ગ્રામીણ વિસ્તારમાં પણ ભાજપના ઉમેદારોને જંગી લીડ મળી હતી. તો શહેરોમાં તો રેકોર્ડ મતો પ્રાપ્ત થયા હતાં. અબડાસા સીટ પર કોઇ શહેર આવતુ નથી. ત્યારબાદ માંડવી સીટ પર માંડવી અને હવે મુન્દ્રા-બારોઇ શહેર આવે છે. માંડવીમાં કુલ 26408 મતોમાંથી 56.66 ટકા એટલે કે 14965 મતો ભાજપને, માત્ર 20 ટકા સાથે 5429 મતો કોંગ્રેસને અને 4679 સાથે 17 ટકા મતો આપને મળ્યા હતાં.
ભાજપને અહીંલ 9536ની લીડ મળી હતી. તો મુન્દ્રા-બારોઇમાં કુલ પડેલા 15937 મતોમાંથી ભાજપે 8632 મતો સાથે 54 ટકા, કોંગ્રેસે 4151 મતો સાથે 26 ટકા અને 1784 મતો સાથે આપે 11 ટકા મતો મળવ્યા હતાં. ભાજપને અહીં 4481ની લીડ મળી હતી. તો ભુજમાં શહેરના કુલ 114 બુથ પર 75242 લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી ભાજપે 55.95 ટકા સાથે 42105 મતો મળવ્યા હતાં. તો અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમને 13930 મતો સાથે 18.51 ટકા મતો મળ્યા હતાં. તો કોંગ્રેસને માત્ર 12634 મતો સાથે 16.79 ટકા મત મળ્યા હતાં.
આપને 4466 સાથે માત્ર 5.93 ટકા મતો નસીબ થયા હતાં. ભુજમાં ભાજપને એઆઇએમઆઇએમની સામે કુલ 28 હજારની લીડ મળી હતી. તો અંજાર સીટ પર શહેરી વિસ્તારમાં 40409 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં અધધ 64.47 ટકા સાથે ભાજપને 26055 લોકોએ મત આપ્યા હતાં. જ્યારે કોંગ્રેસને માત્ર 28.65 ટકા મળી 11579 લોકોએ મત અાપ્યા હતા. તો આપને અહીં માત્ર 1500 મત માંડ મળી શક્યા હતાં. જેનો વોટશેર માંડ 3.71 ટકા છે. અંજારમાં ભાજપને 14 હજારથી વધારેની લીડ મળી હતી. તો ગાંધીધામમાં સૌથી વધારે કુલ 83822 શહેરી લોકોએ મત આપ્યો હતો. જેમાંથી ભાજપને 58.99 ટકા સાથે 49447 લોકોએ મત આપ્યો હતો.
કોંગ્રેસને માત્ર 20011 મતો સાથે 23.87 ટકા વોટશેર તથા આપને 11065 સાથે 13.20 ટકા વોટશેર મળી શક્યો હતો. ભચાઉ શહેર પણ ગાંધીધામ સીટમાં આવે છે. અહીં કુલ 12140 લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી ભાજપને 53.97 ટકા સાથે 6553 મતો મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસને 36.82 ટકા સાથે 4470 મતો જ્યારે 482 મતો સાથે આપને માત્ર 3.97 ટકા મતો મળ્યા હતાં.
સૌથી ખાસ રાપર શહેરે ધ્યાન ખેંચ્યું હતું. અા સીટ ભાજપે પાતળી સરસાઇથી જીતી લીધી હતી. પરંતુ રાપર શહેરમાં કોંગ્રેસને લીડ મળી છે. શહેરમાં કુલ 13652 લોકોએ મત આપ્યા હતાં. જેમાંથી કોંગ્રેસે 59.54 ટકા વોટશેર સાથે 8129 મતો મેળવ્યા હતાં. જ્યારે ભાજપને માત્ર 33.57 ટકા સાથે 4584 મતો મળ્યા હતાં. અહીં અાપને માત્ર 128 મતો માંડ મળ્યા હતા જે 1 ટકા બરાબર પણ નથી ! કોંગ્રેસને રાપરમાં 3545ની લીડ મળી હતી.
શહેરો પ્રમાણે પક્ષોઅે મળેળવેલા મતો | ||||
શહેર | કુલ મત | ભાજપ | કોંગ્રેસ | આપ |
માંડવી | 26408 | 14,965 | 5429 | 4679 |
રાપર | 13652 | 4,584 | 8129 | 128 |
ભચાઉ | 12140 | 6,553 | 4470 | 482 |
ગાંધીધામ | 83822 | 49,447 | 20011 | 1065 |
અંજાર | 40409 | 26055 | 11579 | 1500 |
ભુજ | 75242 | 42105 | 12634 | 4466 |
મુન્દ્રા | 15937 | 8632 | 4151 | 1784 |
કુલ | 267610 | 152341 | 66403 | 24104 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.