પ્રવેશ પ્રક્રિયા:કચ્છમાં આરટીઇ હેઠળ ભરાયેલા 5380 છાત્રોના ફોર્મમાંથી 2149 પ્રવેશપાત્ર ઠર્યા

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ રાઉન્ડમાં 1900, બીજામાં 184 અને ત્રીજામાં 65 વિદ્યાર્થીનો સમાવેશ
  • સરકાર વંચિત અને ગરીબ બાળકોને ખાનગી શાળામાં મફત ભણાવશે

રાજ્ય સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વંચિત અને ગરીબ બાળકોને સરકારી ખર્ચે ખાનગી શાળામાં મફત ભણાવવામાં આવે છે. જે માટે 5380 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 2149 બાળકોને પ્રથમ ધોરણથી પ્રવેશ આપવામાં આવ્યો છે.

નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નીલેશ ગોરે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાંથી 5380 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 4221 અરજીઓ માન્ય ઠરી હતી. ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાં 1900, બીજા રાઉન્ડમાં 184 બાળકોને પ્રવેશ આપવાની કામગીરી સંપન્ન થઈ ગઈ છે. હવે પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ ન મેળવ્યો હોય અથવા તો ખાલી જગ્યાઓ રહી ગઈ હોય ત્યાં ત્રીજા રાઉન્ડમાં મંગળવારથી 65 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 6ઠ્ઠી જૂન સુધી પ્રક્રિયા ચાલશે. વાલીઓને મેસેજથી જાણ કરી દેવાઈ છે. વાલીઓએ પોર્ટલ પરથી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવાનો રહેશે. જે શાળામાં અસર આધારો દર્શાવી પોતાના બાળકોને પ્રવેશ અપાવી દેવાનો રહેશે. અન્યથા પ્રવેશ રદ કરવામાં આવશે. શાળાઓએ પણ ઓન લાઈન એડમીટ કરી પહોંચ આપવાની રહેશે. જે માટે શાળાઓને સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી શાળાઓ ચાલુ રાખવા સૂચના પણ અપાઈ ગઈ છે.

વાલીઓને મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન
વાલીઓને શાળામાં બાળકોને પ્રવેશ અપાવતી વખતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પ લાઈન નંબર 9426127682 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

મેસેજ ન મળ્યો હોય તો પોર્ટલ પર જાણી શકાશે
જે વાલીઓને પ્રવેશ અંગેનો મેસેજ ન મળ્યો હોય તો આર.ટી.ઈ. પોર્ટ પર અરજીની સ્થિતિ મેનુ પર જઈ વિદ્યાર્થીના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી ચકાસણી કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...