ભુજ નગરપાલિકાના ચોપડે 42 હજાર ઉપરાંત મિલકત માલિકો નોંધાયેલા છે, જેમાંથી હજુ સુધી માત્ર 7000 મિલકતધારકોઅે વેરો ભર્યો છે. બીજી તરફ માર્ચ અેન્ડિંગ નજીક અાવે છે, જેથી ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચે 10 હજારથી વધુ ચડત રકમ બાકી હોય અેમને નોટીસો ફટકારવાનું શરૂ કર્યું છે અને વસુલાત ટીમોને મેદાનમાં ઉતારી છે. જરૂર પડ્યે પાણી, ગટર સહિતના જોડાણ કાપી, મિલકત સીલ કરવા સહિતની કાર્યવાહી શરૂ થાય અેવી શક્યતા છે.
ભુજ નગરપાલિકા દ્વારા મિલકત વેરો, વ્યવસાય વેરો, શિક્ષણ ઉપકર ઉપરાંત પાણી, ગટર, સફાઈ, દિવાબત્તી સહિતની સુવિધાનો ચાર્જ વસુલાય છે. બીજી તરફ તાજેતરમાં દબાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પાસેથી પણ વિવિધ સેવા ચાર્જની વસુલાત શરૂ કરી દેવાયું છે. અેવી દબાણવાળી અંદાજે 13000 જેટલી મિલકતો છે. ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, 2023ના માર્ચ સુધી જેમણે ચડત રકમ નહીં ભરી હોય અેમની પાસેથી 2024ના અેપ્રિલ માસથી ચડત રકમ ઉપર દંડનીય કાર્યવાહી રૂપે 18 ટકા વ્યાજ વસુલવામાં અાવશે.
જેથી મિલકતધારકોઅે વેળાસર ચેતીને તાત્કાલિક ચડત રકમ ભરી દેવી જોઈઅે અથવા નગરપાલિકાનો સંપર્ક સાધીને વિકલ્પો જાણી લેવા જોઈઅે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ માધાપર હાઈવે, મીરજાપર હાઈવે, કોટ વિસ્તાર, સુરલભીટ, જી.અાઈ.ડી.સી. વિસ્તારોની વસાહતોમાં નગરપાલિકાની સર્વે ટીમ ફરી રહી છે.
જેઅો અાકારણી સહિતની કામગીરીને અાગળ ધપાવશે, જેથી ટીમને સહકાર અાપવાનો રહેશે. મુખ્ય અધિકારી જીગર પટેલના માર્ગ દર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે. નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર, કારોબારી ચેરમેન જગત વ્યાસ ઉપરાંત વિવિધ સમિતિના ચેરપર્સન દ્વારા શહેરીજનોને શહેરના વિકાસમાં સહકાર અાપવા અપીલ કરવામાં અાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.