તપાસ:આંગડિયા પેઢીઓને આદેશ 15 દિવસ હવાલા નહીં લેતા

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો મતદારોને પૈસાની લાલચ આપીને મત મેળવી ન શકે તેવા ઉદેશથી ચૂંટણી કમિશન દ્વારા આચાર સંહિતામાં આધાર વિનાના પૈસાની હેરફેર પર નિષેધનો આદેશ આપે છે. તેના માટે ખાસ ઇન્કમ ટેક્ષ વિભાગના અધિકારીઓની ટીમ ચેકીંગ સ્કવોડ બનાવી તપાસ પણ કરે છે. આવી પરિસ્થિતિમાં જોખમ ન લેવાના ઉદ્દેશ સાથે ભુજમાં અંદાજે પચાસથી વધુ આંગડિયા પેઢીઓને ‘ઉપરથી’ પંદર દિવસ હવાલા નહીં લેવાના આદેશ આવ્યા છે.

આંગડિયા પેઢી રૂપિયા અને તેને સમકક્ષ સોના-ચાંદીની લેવડ દેવડ માટે લાયસન્સ ધરાવતી વેપારી સંસ્થા છે. જીએસટી બિલ સહિત વેપાર કરે છે. પરંતુ મોટાભાગની પેઢીઓ કાળા નાણાંની અબજો રૂપિયાની હેરફેર કરી ‘હવાલા’ દ્વારા કરોડોની કમાણી કરે છે. આ ક્ષેત્રથી જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ ભુજમાં મહેરઅલી ચોક, અનમ રીંગરોડ, વાણીયાવાડ, કંસારા બજાર, વોકળા ફળિયા તેમજ શહેરમાં કોટ બહારના વિસ્તારમાં છૂટક ઓફિસો સહિત કુલ અંદાજે 50 પેઢીઓ છે કે જેમાંથી મોટાભાગની હવાલા સાથે સંકળાયેલી છે.

16 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી કોઇપણ હવાલા ન લેવાની સૂચના ઉપરથી આવી હોવાનું આધારભૂત સૂત્રો જણાવે છે. જુના આંગડિયા કે અંગ્રેજી બારાખડીના બે અક્ષર સાથેની નામ ધરાવતી પેઢીઓ દરરોજનો 50 લાખથી એક કરોડનો હવાલો કરતા હોવાનું કહેવાય છે. શેરબજારમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ, સોના ચાંદીનો બિલ વગરનો વેપાર, ક્રિકેટના સટ્ટામાં કરોડોની હાર જીત, જમીન ધંધાર્થીઓના વેપારના કાળા નાણાની લેવડદેવડ વગેરેનો વેપાર આ હવાલા દ્વારા આખા ભારતમાં થાય છે.

અમદાવાદ અને મહેસાણા જેવા ઉત્તર ગુજરાતના સેન્ટરમાં હેડ ઓફિસ ધરાવતી આ જુના આંગડિયા પેઢીઓમાં અબજો રૂપિયા રાજકીય મોટા માથાઓ અને ભ્રષ્ટ અધિકારીઓના રોકાણ હોય છે. ઇન્કમ ટેક્સ અને પોલીસ વિભાગને સંપૂર્ણ માહિતી હોવા છતાં પણ જવલ્લે જ દરોડો પડે છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ગાંધીધામની ખાવડા ફાઇનાન્સમાં દરોડો પડ્યો હતો અને કરોડો રૂપિયાની લેવડ દેવડ શંકાસ્પદ રીતે હોવાનું આયકર વિભાગે જણાવ્યું હતું.

મોટા ભાગનો હિસ્સો હવાલાથી આવતાં ખેડૂતો પણ પરેશાન
સ્વાભાવિક રીતે સવાલ થાય કે, હવાલા અને ખેડૂતને શું સંબંધ. પરંતુ ખેત પેદાશો જ્યારે વેંચાય ત્યારે પણ બહુ મોટી રકમ હવાલાથી ટ્રાન્સફર થાય છે. હાલ કપાસ, તલી, મગફળી વગેરે પેદાશ માર્કેટમાં વેંચવા માટે તૈયાર છે. આ પેદાશ જથ્થાબંધ બજારમાં વેપારીને વેંચે અને રોકડ લે છે. આ રકમ લાખોમાં પહોંચે છે તેમજ ખરીદનાર વેપારી સફેદ નાણાં આપે તો તેણે ચોપડે બતાવવા અઘરા પડે. માટે કાળા નાણાંની લેવડદેવડ થાય. જેમકે કપાસની એક ગાડી સાઈઠ લાખની કિંમત થતી હોય તો કચ્છમાં કપાસ જ અબજો રૂપિયાનો ઉગે છે. જેનો મોટાભાગનો હિસ્સો હવાલાના પૈસાથી વેચાતો હોવાનું જાણકારો કહે છે.

અન્ય સમાચારો પણ છે...