માજી ધારાસભ્ય મહેશ એચ. ઠક્કરે તાજેતરમાં માંડવી તાલુકાના બાડા ગામની નજીક સ્થપાનારા સંભવિત સોડાએસના કારખાનાની વિરુદ્ધમાં આસપાસના ગામોના લોકોના વિરોધને ઉચિત ગણાવ્યો છે અને ગ્રામજનોની જાગૃતિને બિરદાવતા ઉમેર્યું હતું કે, આૈદ્યોગિક વિકાસ ઈચ્છનીય છે. પરંતુ, માનવી અને પશુપંખીઓના જીવન કવન અને પર્યાવરણના ભોગે સ્વીકાર્ય ન હોવો જોઈએ.
માજી ધારાસભ્યએ વધુમાં જણાવ્યું છે કે, કચ્છના આૈદ્યોગિક વિકાસ માટે સમયે સમયે સમિતિઓ નિમાતી રહી છે, જેમાં એક અગત્યની સમિતિ 1969માં રાજ્યના ઉદ્યોગ કમિશનરના અધ્યક્ષ પદે નિમાઈ હતી. જેનો અહેવાલ 1974માં આવ્યો હતો અને અહેવાલમાં અબડાસા, લખપત તાલુકામાં ખનીજોના જથ્થાની ઉપલબ્ધિની નજરે સિમેન્ટ અને સોડાએશના કારખાના માટે ભલામણ કરાઈ હતી. જોકે, વહીવટી તંત્રે જવાબ આપ્યો હતો કે, લાઈમ સ્ટોન સિમેન્ટ ગ્રેડનો નથી. પાણી નથી. રેલવે નથી, જેથી સિમેન્ટ ઉદ્યોગ થઈ નહીં શકે !
નવાઈની વાત તો એ છે કે, ગુજરાતના આૈદ્યોગિક વિકાસ માટે કઈ કઈ જાતના કેટલા ખનીજો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ઉપલબ્ધ છે તેની વિસ્તૃત માહિતી આપતું પુસ્તક 1982માં બહાર પડ્યું હતું, જેમાં રાજ્યમાં ચુનાનો પત્થર 8965 મિલિયન ટન ઉપલબ્ધ બતાવાયું છે. પરંતુ, કચ્છ જિલ્લાનો ઉલ્લેખ સુદ્ધા નથી ! ભૂસ્તર ખાતાની માહિતી પુસ્તિકા મુજબ કચ્છમાં 7765 મિલિયન ટન ચુનાનો પત્થર છે, જેથી પ્રશ્ન થાય છે કે, તો પછી સરકારે દેશ વિદેશમાં મોકલવાની સ્ટેસ્ટીકલ એટલાસ બૂકમાં કચ્છની બાદબાકી શા માટે કરી. માજી ધારાસભ્યએ રાજ્ય સરકારનું ધ્યાન દોર્યા બાદ પણ સુધારો ન થયો.
માંડવી નહીં પણ લખપત તાલુકામાં નાખો
માંડવી તાલુકાના લોકોનો વિરોધ યોગ્ય છે, જેથી સોડાએશનું કારખાનુ જ્યા કચા માલની ઉપલબ્ધિ સરળ છે, સરકારી જમીન ઉપલબ્ધ છે અને રોજગારીથી વસતી વધશે એવા લખપત તાલુકાનાં નાખવું જોઈએ. માંડવી અને મુન્દ્રાને વધુ વેરાન બનતા અટકાવવા અનુરોધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.