માધાપરમાં શિવ મંદિરે જવાનો રસ્તો બંધ કરી દેવાતા 5 સોસાયટીના લોકોએ વિરોધ દર્શાવ્યો છે અને ફરીથી મંદિરના દ્વારને જોડતો રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગણી કરી છે. અહીંના રહીશોએ કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું કે,માધાપર એમઇએસ રોડની પૂર્વ બાજુ સર્વે નંબર-૩૪૯-૧ મહાપ્રજ્ઞ નગર અને સર્વે નંબર-૪૮-૧ સર્જન સ્કવેર કોલોનીની બાજુમાં અડીને ખરાબાની વિશાળ જમીન ઉપર એક મોટું મહાદેવનું જુનું અને વિશાળ મંદિર આવેલું છે જે મંદિરમાં વર્ષોથી આજુ બાજુના યોગેશ્વર પાર્ક, વૃંદાવન પાર્ક, હિલવ્યુ અને હાલમાં બનેલ મહાપ્રજ્ઞ નગર, સર્જન સ્કવેર નગરમાં રહેતા ભકતો દર્શન કરવા જતા હતા પણ હમણા જ અચાનક મંદિરની બાજુમાં આવેલી સર્વે નંબર-૩૫૩ની હિરાણી નગરની કોલોનીના અમુક રહીશોએ કોઇની પણ મંજુરી લીધા વગર મંદિરની ચારે બાજુ ઉંચી વોલ બનાવી નાખી છે.
એક પણ ભકત મંદિરમાં દર્શન કરવા જઇ શકતો નથી મહિલાઓએ ભેગા થઇને મંદિરના પુજારીને જાણ કરતા દસ પંદર હજારનો ફાળો કરીને હાલમાં જ એક ગેટ નાખ્યો હતો જે ગેટને પણ તોડીને હિરાણી નગરના અમુક રહીસોએ ફરી બ્લોકો લગાવી તે મંદિરમાં દર્શને જવાનો રસ્તો ફરી બંધ કરી નાખ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેથી મંદિરમાં જવાનો રસ્તો ખોલવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા સંખ્યાબંધ સહીઓ સાથે કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર સહિતનાઓને રજૂઆત કરી હતી.
દિવાલના કારણે વરસાદમાં પાણી આવવાની ભીતિ
સર્જન સ્કવેર નગરનો માધાપર તરફ જવાનો મેઇન રસ્તો આ મંદિરની ઉંચી વોલના કારણે બંધ થઈ ગયો છે.હવે લોકોને ફરીને જવું પડે છે તેમજ વરસાદનું બધુ પાણી સર્જન સ્કવેર નગર અને મહાપ્રજ્ઞ નગરમાં આવવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.